નવી દિલ્હી, તા. 4 : ભારતનાં પાડોશી દેશ બાંગલાદેશમાં ફરી એકવાર
હિંસાની આગ ભડકી ઊઠી છે. આજે બાંગલાદેશમાં લાગેલી હિંસાની આગમાં 91 લોકો હોમાઈ ગયા
હોવાના અહેવાલો આવી રહ્યા છે. દેશનાં વિવિધ ભાગોમાં ફાટી નીકળેલી હિંસાને પગલે આખાય
દેશમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. કર્ફ્યૂ દરમિયાન ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ
જેવા સોશિયલ મીડિયા ઉપરાંત ઈન્ટરનેટ બંધી પણ લાગુ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે
એડવાઇઝરી જારી કરી પોતાના નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી, તો સિલહટમાં ભારતીય
ઉચ્ચ આયુકતે હેલ્પલાઇન નંબર જારી કર્યા હતા. નોબેલ વિજેતા અને ગ્રામીણ બેન્કના સંસ્થાપક
પ્રોફેસર મુહમ્મદ યુનુસે એવી ચેતવણી આપી હતી કે, હિંસાની આગ ભારત સુધી પણ ફેલાઇ શકે
છે. બાંગલાદેશમાં અનામત વિરુદ્ધ છાત્રોના વિરોધ પ્રદર્શનોનો સિલસિલો જારી છે. આ દરમિયાન બાંગલાદેશની સરકારે આજે સાંજે સમગ્ર
દેશમાં કર્ફ્યૂ લાગુ કરવાનું એલાન કરી દીધું હતું. પ્રદર્શનકારી છાત્રો સતત વડાપ્રધાન
શેખ હસીનાનાં રાજીનામાની માંગ કરી રહ્યાં છે.
એક અહેવાલ અનુસાર ફેનીમાં થયેલી હિંસા દરમિયાન પાંચ લોકોનાં મૃત્યુ નીપજ્યાં
હતાં. આ ઉપરાંત સિરાજગંજમાં 4, મુશીગંજમાં 3, બોગુરામાં 3, મગુરામાં 3, ભોલામાં 3,
રંગપુરમાં 3, પાબનામાં 2, સિલહટમાં 2, કોમિલ્લામાં 1, જયપુરહાટમાં 1, ઢાકામાં 1 અને
બારીસાલમાં પણ 1 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. આજે પ્રદર્શનકારી છાત્રો અને સત્તાધારી
આવામી લીગનાં સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે. દેશનાં
વિભિન્ન ભાગોમાં હજારો છાત્રો એકત્ર થઈને શેખ હસીનાનું રાજીનામું માગી રહ્યા છે. શેખ
હસીનાએ પોતાના આવાસ ગણભવનમાં સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની તાકીદની બેઠક પણ બોલાવી
હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પ્રદર્શનનાં નામે સરકારી સંપત્તિને જે લોકો નુકસાન
કરી રહ્યા છે તે છાત્ર નહીં પણ આતંકવાદી છે. આ બેઠકમાં બાંગલાદેશની સેના ઉચ્ચ અધિકારીઓ
અને પોલીસના ટોચના અધિકારીઓ સહિતના સરકારી અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, બાંગલાદેશમાં અનામત વિરુદ્ધ સતત
પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને અત્યાર સુધીમાં થયેલી હિંસામાં 200થી વધુ લોકોનાં મોત
થઈ ગયાં છે. શનિવારે દેખાવકારોએ રાજધાની ઢાકાના પ્રમુખ માર્ગોની ઘેરાબંધી કરી લીધી
હતી. તાજેતરનાં સમયમાં ઠેકઠેકાણે છાત્ર અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ અને અથડામણો થયેલી
છે. છાત્રો દ્વારા વિવાદિત અનામત પ્રણાલી સમાપ્ત કરવાની માગણી કરવામાં આવી રહી છે.