ગાંધીધામ, તા. 20 : મુંદરાની એક શિપિંગ કંપનીને તમારા રૂા. 21,35,000 અમે પહોંચાડી આપશું. મુંબઇમાં પણ અમારી આંગડિયા પેઢી છે તેમ કહી રૂપિયા લઇ જઇ બાદમાં મુંબઇ ન પહોંચાડતાં બનાવ અંગે ગુનો દર્જ કરાયો હતો. મુંદરામાં અર્બુદા આર્કેડમાં બહેરોન શિપિંગ એન્ડ લોજિસ્ટિક નામની કંપનીની ઓફિસ આવેલી છે. આ કંપનીનું ગાંધીધામની આર.કે. આંગડિયા પેઢીમાં ખાતું ચાલુ છે, જેમાં રૂા. 21,35,000 પડયા હતા. આ આંગડિયા પેઢીના જયેશભાઇએ દિવાળીના કારણે મુંબઇ બ્રાન્ચ બંધ હોવાનું કહેતાં ફરિયાદી પ્રમોદ મેઘનાદ પાટિલે જસ્ટ ડાયલમાં બીજી આંગડિયા પેઢી સર્ચ કરી હતી, જેમાં આર.કે. એન્ટરપ્રાઇઝ નામની મહેસાણા ઇન્ડસ્ટ્રીયલ-મહેસાણા નામની પેઢી નોંધાયેલી હતી, જેના નંબર પર ફોન કરતાં સામા છેડેથી શખ્સે પોતાની મુંબઇ બ્રાન્ચ ખૂલી હોવાનું અને પૈસા ત્યાં પહોંચી જવાનું કહ્યું હતું અને નંબર આપ્યા હતા. તેના પર સંપર્ક થતાં ફરિયાદીએ જયેશભાઇને ફોન કરી આ પૈસા આવનાર વ્યક્તિને આપી દેવા કહેતાં જયેશભાઇએ રૂા. 21,35,000 તે શખ્સને આપી દીધા હતા. બાદમાં ફરિયાદીએ પૈસા મુંબઇ ન પહોંચતાં આરોપીને ફોન કરતાં ખોટા વાયદા કર્યા હતા, પરંતુ પૈસા મુંબઇ ખાતે પહોંચાડાયા નહોતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.