ભચાઉ,તા
20 : વાગડમાં બેક ાબુ બનેલી ખનીજ ચોરીને ડામવા માટે ભચાઉ પ્રાંત અધિકારી દ્વાર વધુ એક વખત રાત્રીના આકસ્મીક તપાસ હાથ ધરીને ખનીજ ચોરી ઉપર તવાઈ લાવવામાં આવી હતી. આ દરમ્યાન કરોડોની કીમતના વાહનો કબ્જે કરાયા હતાં. આ અંગે મળતી વિગતો મુજબ મદદનીશ કલેક્ટર અભિષેક તાલે, અને ખાણ ખનીજ વિભાગ, અંજારની સંયુક્ત ટીમ દ્વારા ગત રાત્રીના આ કાર્યવાહી કરાઈ હતી. ભચાઉ તાલુકાના આરોઈ, લોધેશ્વર, ભચાઉ, સૂરજબારી અને રાપર તાલુકાના મેવાસા ખાતે આકસ્મિક તપાસ કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર અનીજ-રેતીનું વહન કરતી 12 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. ગેરકાયદેસર ખનન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સીઝ કરવામાં આવેલા વાહનોની કુલ અંદાજિત કિંમત આશરે રૂ. 3.4 કરોડ થાય છે. ટ્રક માલિક વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પ્રાંત અધિકારી દ્વારા વાગડમાં કાર્યવાહી કરાઈ હતી. અને અનેક વાહનો કબ્જે કરાયા હતાં આ ઉપરાંત ગેરકાયદે રેતીનો વોશીંગ પ્લાન્ટ પણ ઝડપી પાડયો હતો. વાગડમાં ખનીજ ચોરી નું દુષણ બેરોકટોક ચાલી રહ્યું છે . અગાઉ તંત્રએ કબ્જે કરેલા વાહનો પણ પોલીસ મથકમાંથી કે હોટેલમાંથી ઉપાડી જવાના બનાવો પણ બન્યા છે.. તેમજ ખાણ ખનીજના અધિકારીઓ ઉપર હુમલા અને રેકી કરવાની ઘટનાઓ પણ બની છે.