• મંગળવાર, 17 નવેમ્બર, 2026

અજાપર નજીક કાળમુખી ટ્રક હડફેટે ત્રણ કિશોરનાં મોત

બાઈક પર સવાર અજાપરના ત્રણેના બનાવ સ્થળે જ કમકમાટીભર્યાં મોતથી અરેરાટી : ટ્રકચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો

ગાંધીધામ, તા. 16 : અંજાર તાલુકના અજાપર ગામ નજીક એક અત્યંત હૃદયદ્રવક અને ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીંની એક કંપની પાસે તોતિંગ ટ્રકે બાઈકને હડફેમાં લેતાં ત્રણ કિશોરનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં ઈશ્વર કમાભાઈ રબારી (ઉ.વ. 18), ઉદેવ રામાભાઈ રબારી (ઉ.વ. 13) તથા માધવ કાનાભાઈ રબારી (ઉ.વ. 14)એ પોતાના જીવ ખોયા હતા. એક સાથે ત્રણ આશાસ્પદ કિશોરનાં મોતનાં પગલે પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું હતું. અજાપર નજીક આવેલી સંકેત ઈકો એનર્જી નામની કંપની પાસે ગઈકાલે બપોરે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વરસામેડીમાં રહેનાર બાઈકચાલક ઈશ્વર, ઉદેવ (રહે. નિરોણા) તથા માધવ (રહે. નાડાપા) અને ઉદેવના માતા સોનીબેન બાઈક નંબર જી.જે.- 39-એલ-1981થી જઈ રહ્યા હતા. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કિશોરો કુટુંબીજનો હતા જે અજાપર બાજુથી ટપ્પર બાજુ જઈ રહ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. આ બાઈક સંકેત ઈકો એનર્જી કંપની પાસે પહોંચ્યું હતું તેવામાં ટ્રક નંબર જી.જે. -12-એવાય-9655એ આ બાઈકને હફડેટમાં લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતના પગલે ઈશ્વર, ઉદય તથા માધવને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનાં પગલે માર્ગ પર અત્યંત કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. સોનીબેનનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્રણેય કિશોરને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ મૃતક કિશોરના પરિવારજનો તથા અન્યો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઊમટી પડયા હતા. પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંજાર પોલીસે ટ્રકના ચાલક પારારામ કેવારામ (રહે. બાડમેર) સામે વરસામેડીના રાજેશ કરણાભાઈ રબારીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો અને તેની અટક કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એકીસાથે ત્રણ આશાસ્પદ કિશોરનાં મોતનાં પગલે ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd