• મંગળવાર, 17 નવેમ્બર, 2026

લેવા પટેલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અવિરત જારી રહી

દિવાળીના તહેવારમાં દૈનિક 125થી વધુ દર્દીને ઈમર્જન્સી સારવાર અપાઈ

ભુજ, તા. 16 : કચ્છની અગ્રણી સેવાભાવી આરોગ્ય સંસ્થા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર લેવા પટેલ હોસ્પિટલ-ભુજ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પણ 24 કલાક અવિરત આરોગ્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. તહેવારોની રજાઓ દરમિયાન હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દરરોજ 125થી વધુ દર્દીને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. ફટાકડા સહિતના વિવિધ કારણોસર દાઝેલા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે 11 અતિ ગંભીર દર્દીને વધુ સઘન સારવાર અને સતત દેખરેખ માટે આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના વિવિધ વિભાગોએ આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર તબીબી સેવાઓ આપી હતી. ઓર્થોપેડિક વિભાગમાં અકસ્માતમાં ફ્રેક્ચર થયેલા પાંચ દર્દીની સારવાર કરવામાં આવી હતી, જનરલ સર્જરી વિભાગમાં પાંચ મેજર સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ગાયનેકોલોજી વિભાગમાં પ્રસૂતિ તથા સ્ત્રીરોગ સંબંધિત અને પીડિયાટ્રિક વિભાગમાં બાળરોગ સંબંધિત દર્દીઓને પણ સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી. દિવાળીના તહેવારો દરમિયાન પણ પોતાના પરિવારથી દૂર રહી દર્દીઓની નિષ્ઠાપૂર્વક અને અવિરત સેવા કરનાર હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા વહીવટી કર્મચારીઓની કામગીરીને કચ્છી લેવા પટેલ સમાજ-ભુજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા, હોસ્પિટલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયા, મનજીભાઈ પિંડોરિયા, અરજણભાઈ પિંડોરિયા, ઇમર્જન્સી વિભાગના દાતા વિશ્રામભાઈ જાદવા મેઘજી વરસાણી (વિજય કન્સ્ટ્રકશન સિસલ્સ) દ્વારા બિરદાવવામાં આવી હતી. અગ્રણીઓએ કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમની સેવાભાવના, નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા કરી હતી. ટ્રસ્ટીઓ તથા હોસ્પિટલ મેનેજમેન્ટે પણ તમામ કર્મચારીઓની સેવાભાવનાને બિરદાવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd