ભારતીય અર્થતંત્રની સામે અસમંજસની સ્થિતિ ઊભી થઈ
છે. એક તરફ શેરબજાર તેજીનાં શિખર સર કરી રહી છે, તો બીજી
તરફ મોંઘવારીનો બોજો પણ ચિંતાજનક રીતે બેકાબૂ બની ગયો છે. સમાન્ય લોકો માટે આવકની સરખામણીએ
જીવનનિર્વાહનો ખર્ચ જ્યારે વધી જાય છે, ત્યારે તેમની માટે અર્થતંત્રની
ફૂલગુલાબી તેજીનું કોઈ મહત્ત્વ રહેતું હોતું નથી. સામાન્ય લોકોને અર્થતંત્રના વિકાસ
સાથે કોઈ લેવાદેવા હોતી નથી, પણ મોંઘવારીને લીધે તેમની ખર્ચશક્તિ
ઘટતાં બજારમાં વસ્તુઓની ખપત ઘટે ત્યારે તેની અસર અર્થતંત્ર પર જરૂર વર્તાય છે. ઉલ્લેખનીય
છે કે, ઓક્ટોબર મહિનામાં દેશમાં છૂટક મોંઘવારીનો દર વધીને 6.09 ટકાને
આંબી ગયો હતો. સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો પ.પ4 ટકા હતો. છેલ્લાં બે વર્ષમાં મોંઘવારીનો આ દર સૌથી વધુ છે.
આંકડાકીય મંત્રાલયે જાહેર કરેલી વિગતો મુજબ છૂટક મોંઘવારી છેલ્લા બે વર્ષમાં ભારતીય
રિઝર્વ બેંકની મર્યાદા કરતા પાર થઈ છે. આરબીઆઈએ મોંઘવારીના આંકડાને છ ટકાની મર્યાદાને
ધ્યાનમાં રાખીને આર્થિક નીતિઓ પર કામ કર્યું છે, હવે બેંકને
આ માટે નવેસરથી આર્થિક પગલાં લેવા પર ધ્યાન આપવું પડશે. આમ તો આરબીઆઈએ મોંઘવારીના દરને
ચાર ટકા રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, પણ તેમાં બે ટકા ઘટ
કે વધના અવકાશની જોગવાઈ છે. પણ આ વખતે 6.09 ટકાનો આંકડો વધઘટની મર્યાદાને
પણ પાર થઈ ગયો છે. આ અગાઉ ઓક્ટોબર 2024માં આ દર 6.2પ
ટકા થયો હતો. છૂટક મોંઘવારીમાં આ વધારાની પાછળ ખાવા-પીવાની વસ્તુઓની કિંમતો બેલગામ
બની હોવાનું સ્પષ્ટ છે.
હાલના આંકડા મુજબ ખાદ્ય વસ્તુઓમાં સપ્ટેમ્બર મહિના
દરમ્યાન મોંઘવારીનો દર 7.74 ટકાથી વધીને 8.94 ટકાએ
પહોંચી ગયો હતો. મોંઘવારીમાં આટલો ઝડપભેર વધારો સામાન્ય નાગરિકોની માટે પડકારરૂપ બની
ગયો છે. લોકો બિનજરૂરી ખરીદીને ટાળી રહ્યા છે. હાલત એવી છે કે, અનાજની સાથોસાથ શાકભાજીના ભાવ પણ સતત વધી રહ્યા છે. તાજેતરમાં અમૂલ અને મધર ડેરીએ દૂધ અને દૂધ ઉત્પાદનોના
ભાવો સતત વધારીને મોંઘવારીની આગમાં તેલ નાખવાનું કામ કર્યું છે. દૂધના ભાવોના વધારાની
સીધી અસર આવતા મહિનાના મોંઘવારીના દર પર પડશે એ વાત નક્કી છે. મોંઘવારીના આ પડકારની
સામે લગામ કસવા માટે હવે આરબીઆઈ તેની ડિસેમ્બર મહિનાની આર્થિક બેઠકમાં રેપો દર પર ચાવીરૂપ
નિર્ણય લેશે એ વાત નક્કી છે. રેપો દર વધશે, તો તેની પણ અવળી અસર
મધ્યમવર્ગ પર પડી શકે છે. વ્યાજના દર વધતા લોનના હપ્તા ભરવાનું વધુ મોંઘું બનશે. જો
કે, એવી આશા રખાઈ રહી છે કે, તહેવારોના
દિવસોમાં બજારમાં માંગ વધતા ભાવો વધ્યા છે, જે હવે ધીમે ધીમે
ઓછા થઈ જશે. પણ ઈંધણ અને તેની સાથોસાથ હવે દૂધના ભાવોનો બોજો સ્થિતિને હળવી બનાવે એમ
જણાતું નથી. આવામાં સરકારે વ્યાજના દર વધરવાના
એક માત્ર ઉપાયથી વિશેષ અન્ય પગલાં પર વિચાર કરીને તેનો તાકિદે અમલ કરવો રહ્યો. સામાન્ય
માનવીનું બજેટ ખોરવાઈ જશે, તો સરકાર અને વેપાર ઉદ્યોગ ક્ષેત્રનાં
આર્થિક સમીકરણો પર પણ અવળી અસર પડશે.