ભુજ, તા. 8 : ગઇકાલે રાત્રે માધાપરના પાર્શ્વનાથનગરમાં
સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ સપાટો બોલાવી ટ્રક ભરેલો શરાબનો જથ્થો કિં. 32,63,012 સહિત કુલે રૂા. 74,13,688ના મુદ્દામાલ સાથે ચાર આરોપીને
ઝડપી પાડયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર
કુલદીપસિંહ નટુભા વાઘેલા સહિત 16 આરોપીને ફરાર જાહેર કરાયા છે. ચંદીગઢથી શરાબનો જથ્થો ટ્રક નં.
ડી.એલ.-1-જીઇ- 5669માં ભરી ટ્રકચાલક હરીશકુમાર
શ્યામસિંહ જાટ (રહે. ઉત્તરપ્રદેશ) માધાપરની પાર્શ્વનાથ સોસાયટીમાં મુખ્ય સૂત્રધાર કુલદીપસિંહ
વાઘેલાની માલિકીના બંધ પ્લોટમાં ઠલાવવા લાવ્યો હતો. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે
બાતમીના આધારે ગઇકાલે દરોડો પાડતાં બનાવ સ્થળેથી 311 શરાબની પેટી જેમાં કુલ બોટલ 8343 જેની કિં. રૂા. 32,63,012ના શરાબના જથ્થા સાથે આરોપી ટ્રકચાલક હરીશકુમાર ઉપરાંત શરાબના
કટિંગ દરમ્યાન શરાબ લેવા આવનાર અનિલસિંહ લધુભા જાડેજા (રહે. દરશડી, તા. માંડવી) અને દારૂના છૂટક વેચાણ સાથે સંકળાયેલો
હરદીપાસિંહ પ્રવીણાસિંહ ઝાલા (રહે. પાર્શ્વનાથ સોસાયટી, માધાપર)
તેમજ શરાબ ઉતારનાર વિશ્વરાજસિંહ ભીખુભા જાડેજા (રહે. આઈયાનગર, જૂનાવાસ, માધાપર)ને ઝડપી લેવાયા હતા. દરોડા દરમ્યાન પોલીસને
જોઈને આરોપીઓ નાસી છુટયા જેમાં આ ચાર આરોપી ઝડપાયા હતા. સ્થાનિક પોલીસને અંધારામાં
રાખીને રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ બોલાવેલા આ સપાટામાં ટીમે દરોડા દરમ્યાન રૂા. 32,63,012ના શરાબના જથ્થા સાથે એક ટ્રક
ઉપરાંત ત્રણ કાર આઇ-20 તથા બે કીઆ
કાર નં. જી.જે. 12 એફએફ 1231 તેમજ જી.જે. 12 એફઇ 8386 જેની કુલ કિ. રૂા. 37 લાખ અને ત્રણ ટુ-વ્હીલર્સ જેની
કુલે કિં. રૂા. 38,10,000 તેમજ
નવ મોબાઈલ જેની કિં. રૂા. 1,41,000 અને
રોકડા રૂા. 2500 અને 7420 ખાલી પૂઠાના બોક્સ કિં. રૂા.
1,97,176 સહિત કુલે રૂા. 74,13,688નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સફળ દરોડામાં શરાબ મગાવનારા મુખ્ય સૂત્રધાર કુલદીપસિંહ નટુભા વાઘેલા (રહે. પાર્શ્વનાથનગર, માધાપર), શરાબ મોકલનાર
અમિતકુમાર (રહે. દિલ્હી), શરાબ રવાના કરનાર રાજીવ (રહે. ગૂડગાંવ),
ચંદીગઢમાં શરાબ ભરનાર અજાણી વ્યક્તિ અને અહીં શરાબ ઉતારનાર જયદીપસિંહ
ભીખુભા જાડેજા (રહે. પાર્શ્વનાથ સોસાયટી, માધાપર) તથા એક અજાણી
વ્યક્તિ તેમજ વીરમ મામા ઉપરાંત હ્યુંડાઈ આઈ-20 કાર નં. જી.જે.-12-સી.જી. -6727નો માલિક, બાઈક ટીવીએસ અપાચે નં. જી.જે.-12 - ડી.એફ.-4638, હિરો હોન્ડા બાઈક ટીવીએસ જ્યુપિટર
નં. જી.જે.-12-એચ.સી.-3332 તથા ટ્રકના માલિક તેમજ ઘટના
સ્થળેથી ભાગી ગયેલા ચાર મોબાઈલના માલિક એમ 16 આરોપી ફરાર દર્શાવાયા છે. એસએમસીના પીએસઆઈ કે. ડી. રવિયા અને
તેમની ટીમે આ સફળ દરોડો પાડી માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.