ગાંધીધામ, તા. 3 : ભુજ શહેરના મહાદેવ નગર-1 વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન જુગારની
તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિક દંપતી અને તેમના દીકરાએ હુમલો કરી ફરજમાં રુકાવટનો
ગંભીર બનાવ બહાર આવ્યો છે. બનાવમાં ઘવાયેલી પોલીસકર્મીને સારવાર અર્થે લઇ જવાયા હતા.
ભુજ શહેર એ-ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણ લાલભાઇ ચૌધરી દ્વારા નોંધાવાયેલી ફરિયાદ
મુજબ ગત રાત્રે તે તથા અન્ય પોલીસકર્મીઓ રાત્રે પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન કંટ્રોલ
રૂમ તરફથી વરધી મળી હતી કે મહાદેવ નગર-1 રામદેવપીર મંદિર પાસે શેરીમાં કેટલાક લોકો જુગાર રમે છે. આ માહિતીના
આધારે આ ટીમ ત્યાં પહોંચી હતી. તે સમયે ત્યાં રહેનાર એક મહિલા, પુરુષ તથા છોકરો બહાર આવ્યા હતા અને પોલીસ સાથે
બોલાચાલી કરવા લાગ્યા હતા. આ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ઝપાઝપી કરી હતી. બાદમાં પોલીસ
પોતાના વાહનો બાજુ જતાં તમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હુમલો કરાયો હતો. આ લોકોએ
ફરિયાદીનું યુનિફોર્મ તોડી નાખ્યું હતું અને મહિલા પોલીસકર્મી ક્રિષ્નાબેનના વાળ પકડી
જમીન પર પાડી દીધા હતા અને ફરિયાદીને ઇજાઓ પહોંચાડી હતી.આ પુરુષને પકડી પોલીસ મથકે
લઇ જઇ તેમનું નામ પૂછતાં તે અશોક રામજી રોહિત તથા મહિલા જ્યોતિબેન અશોક રોહિત હોવાનું
બહાર આવ્યું હતું. આ પકડાયેલા શખ્સે પોલીસ મથકમાં હાજર પી.એસ.ઓ.ને પણ ગાળો આપી હતી.
આ ત્રણેય સામે પોલીસે ફરજમાં રુકાવટ, પોલીસ પર હુમલો,
મારપીટ, ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.