ગાંધીધામ, તા. 3 : ભચાઉ તાલુકાના ઘરાણાની સીમમાં
આવેલી 220 વોટની 200 ફૂટ ઊંચી વીજ લાઇનમાં મૂળ ઝારખંડના
સંજયકુમાર બદનાદેવ ભુઇયા (ઉ.વ. 36)એ ગળેફાંસો
ખાઇ જીવ દીધો હતો. બીજીબાજુ ગાંધીધામના કાર્ગોમાં ફ્રુટીબેન ચંદ્રભૂષણ પ્રસાદ (ઉ.વ.
19)એ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
હતું તથા ભુજમાં મહમ્મદહુશેન અબ્દુલસતાર અંસારી (ઉ.વ. 35)એ ફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા
હતા. મુંદરા બાજુની ખાનગી કંપનીમાં કામ કરનાર મૂળ ઝારખંડનો સંજયકુમાર નામનો યુવાન પોતાના
વતન જવા નીકળ્યો હતો. દરમ્યાન સામખિયાળી ખાતે ટ્રેનમાંથી નીચે ઊતરી ઘરાણા ગામની સીમમાં
પહોંચ્યો હતો અને એક ખેતરમાં આવેલી 220 વોટની વીજલાઇનના ટાવર પર ચડી ગળેફાંસો ખાઇ અનંતની વાટ પકડી હતી.
આજે સવારે ખેતરમાં ખેડૂત આવતાં આ યુવાન લટકતી હાલતમાં દેખાયો હતો. જે અંગે ભચાઉ અગ્નિશમન દળની ટીમને જાણ કરાતાં તે તાબડતોબ
અહીં દોડી આવી હતી અને પડકારજનક આ બનાવમાં મહામહેનતે યુવાનની લાશ નીચે ઉતારી પોલીસને
સેંપી દેવાઈ હતી.બીજી બાજુ ગાંધીધામના કાર્ગો પીએસએલ વિસ્તારમાં રહેનાર ફ્રુટી નામની
યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું. આ યુવતીનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું પોલીસ મથકે
કરાયેલી નોંધમાં જણાવાયું હતું. તેણે ઘરમાં ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. બનાવ
અંગે નોંધ કરી આગળની તપાસ પોલીસે હાથ કરી છે. વધુ એક બનાવ ભુજના અંજલિ નગરમાં બન્યો
હતો. અહીં રહેનાર મહમ્મદ હુસેન નામનો યુવાન ગત તા.2-9ના અંજલિલ નગર, રોયલ સોસાયટીમાં હતો દરમ્યાન અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ
લીધા હતા. આ બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.