• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

રાપરમાં 94 હજારના માદક પદાર્થ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 10 : રાપરના દૂધ ડેરી વિસ્તાર નદીના કાંઠા નજીક આવેલાં એક મકાનમાંથી પોલીસે રૂા. 94,750ના ગાંજા સાથે એક શખ્સને પકડી પાડયો હતો. ગાંજો આપનારા લાકડિયાના શખ્સનું નામ બહાર આવ્યું હતું. રાપર દૂધ ડેરી વિસ્તાર નદીના કાંઠા નજીક રહેનાર મમુ ભુરા કોળી નામનો શખ્સ ગાંજો રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી. મકાનના દરવાજા ઉપર જયશ્રી ખેતરપાળ દાદા પૂજારી મમુભાઈ તથા તેના મોબાઈલ નંબર લખેલા જણાયા હતા અને શરૂઆતમાં ઝાડ બાદ મંદિર અને પછી છતવાળું પાકું મકાન પછી ઓરડી આવેલી હતી. આ શખ્સને સાથે રાખી પહેલાં મકાન અને પછી ઓરડીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓરડીમાં જુદી-જુદી જગ્યાએ રહેલી બાલદીમાં  પ્લાસ્ટિકની થેલીઓમાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક ખરાઈ કરાતાં આ વસ્તુ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. ઓરડીમાંથી કુલ 94,750નો એક કિલો અને 895 ગ્રામ ગાંજો, વિજાણુ વજન કાંટો, મોબાઈલ વગેરે મળીને કુલ રૂા. 1,05,750નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ ગાંજો ક્યાંથી આવ્યો, તેની પોલીસે પૂછપરછ કરતાં લાકડિયાનો હિતેશપુરી ગોસ્વામી નામનો શખ્સ ગઈકાલે જ વેચાણ માટે આપી ગયો હોવાનું મમુ કોળીએ જણાવ્યું હતું. હાથમાં ન આવેલા લાકડિયાના શખ્સને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd