ગાંધીધામ/ભુજ, તા. 10 : અંજારના ચાંદ્રોડા
નજીક એક્ટિવાને ટ્રકે હડફેટમાં લેતાં એક્ટિવાચાલક વાલા રાઘુ મરંડ (ઉ.વ. 33) નામના યુવાને જીવ ખોયો હતો.
બીજી બાજુ ગત તા. 4-2ના મુંદરાના
દેશલપર (કંઠી) બસ સ્ટેશન પાસે પબીબેન બાબુભાઇ દાતણિયા નામની વૃદ્ધાને ગાડીએ અડફેડે
લેતાં તેને સારવાર નસીબ થાય તે પહેલાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે ગાંધીધામના નવી સુંદરપુરીમાં સવજી વેલજી
ધેડા (ઉ.વ. 24)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન
ટૂંકાવી લીધું હતું. ચાંદ્રોડા ગામમાં મુંદરાથી અંજાર જતાં ધોરીમાર્ગ ઉપર ગામના બસ
સ્ટેન્ડ પાસે ગઇકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો. ગામમાં રહેનાર વાલા મરંડ નામનો યુવાન
એક્ટિવા નંબર જીજે-12-બીપી-0139 લઇને રોડ ઉપર ચડી રહ્યો હતો, તેવામાં તીવ્ર ગતિએ જનાર ટ્રક નંબર એચઆર-69-સી-8934એ આ સ્કૂટરને હડફેટમાં લીધું
હતું, જેમાં એક્ટિવાચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતાં
તેને સારવાર અર્થે ગાંધીધામ લઇ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને
તપાસતાં મૃત જાહેર કર્યો હતો. આ જીવલેણ અકસ્માતના બનાવ અંગે શૈલેષ સામત મરંડ (આહીર)એ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત દેશલપર (કંઠી)માં રહેતા રમેશ બાબુભાઇ દાતણિયાએ
ગઇકાલે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 4-2ના દેશલપર (કંઠી)ના બસ સ્ટેશન
પાસે તેમનાં માતા પબીબેન ઊભાં હતાં, ત્યારે સફેદ ગાડી નં. જીજ-12-એફસી-0018એ અડફેટે
લઇ આ ગાડી ભાગી ગઇ હતી. 108 મારફત ઘાયલ
પબીબેનને મુંદરા હોસ્પિટલ ખસેડાયાં હતાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભુજ ખસેડાઇ રહ્યાં
હતાં ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી
છાનબિન આદરી છે. અપમૃત્યુનો એક બનાવ ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં ગણેશ મંદિરની
પાછળ બન્યો હતો, અહીં રહેનાર સવજી ધેડા
નામનો યુવાન ગઇકાલે પોતાના ઘરે હતો, દરમ્યાન અગમ્ય કારણે રસોડાંમાં
જઇ લાકડાં સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ
અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.