• બુધવાર, 16 જુલાઈ, 2025

ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતા છ ખેલી ઝડપાયા

ભુજ, તા. 15 : શહેરના ઘોરાડ ચોકમાં ઘરનાં આંગણામાં ધાણીપાસા વડે જુગાર રમતા છ ખેલીને એલબીસીએ ઝડપી પાડયા હતા. આ ઉપરાંત તાલુકાનાં વરલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 12 જુગારીને પદ્ધર પોલીસે પકડી પાડયા હતા. એલબીસીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, અમુક ઇસમો ઘોરાડ ચોક મલેક ફળિયામાં રફીક ઉર્ફે અમિયો જીએજાનાં મકાનનાં આંગણામાં ધાણીપાસા વડે જુગાર રમી-રમાડે છે. આ બાતમીને પગલે એલબીસીએ દરોડા પાડી ધાણીપાસાથી જુગાર રમતા ઇબ્રાહિમ ઉર્ફે અબ્બાસ દાઉદ ધલ, પરેશ અરુણભાઇ ગોર, જિજ્ઞેશ દેવકરણ ચાડા, શંકર વાલજી મરંડ, મુસ્તાક અભુભખર નોડે તથા સલીમ જુસબ મોખા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 70,450 તથા ચાર મોબાઇલ ફોન કિં.રૂા. 21,000ના મુદ્દામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે જુગારધારા તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજીતરફ પદ્ધર પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, વરલીનાં બસ સ્ટેશન પાછળ લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ગાંગાભાઇ અરજણ મકવાણા, ઇબ્રાહિમ મામદ છુછિયા, ગાંગાભાઇ દુદાભાઇ ચાવડા (આહીર), રામજીભાઇ મ્યાજરભાઇ બરાડિયા, હુસેન લધા ખલીફા, ઘનશ્યામ ધીરજભાઇ પરમાર, શંભુ રાધુ મકવાણા, રાખ્યા ખીમાભાઇ બરાડિયા, મહેશભાઇ ડાયાભાઇ મકવાણા, ગોવિંદ માવજી સથવારા, અકબર ઉમર કટિયા અને બુધિયાભાઇ રામાભાઇ બરાડિયા (રહે. તમામ વરલી)ને રોકડ રૂા. 12,400, નવ મોબાઇલ કિં.રૂા. 31,500 અને એક મોટરસાઇકલ કિં.રૂા. 40,000ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Panchang

dd