ભુજ, તા. 13 : ગઇકાલે રાતે માંડવીના પીપરીની સીમમાં ખેતર નજીક ધમધમતી બહુચર્ચિત
જુગાર ક્લબ ઉપર રાજ્યસ્તરની પોલીસ ટુકડી ત્રાટકી હતી. છ ખેલીને રૂા. 44,500 રોકડા તથા ચાર મોબાઇલ અને ચાર વાહન મળી રૂા. 2.40 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ દરોડામાં 11 જુગારી નાસી છૂટયા હતા. પશ્ચિમ
કચ્છમાં ખાખીની રહેમનજર કે નિક્રિયતાથી બેખોફ રીતે ચાલતી દારૂ-જુગારની બદી પર સ્ટેટ
મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે ધ્યાન કેન્દ્રિત કરીને છેલ્લા અઢી-ત્રણ માસથી ગણનાપાત્ર
દરોડાએ સ્થાનિક પોલીસ બેડામાં ચકચાર પ્રસરાવી છે. ગઇકાલે મોડી સાંજ બાદ પીપરીની ઉગમણી
સીમમાં જખુ હાજાભાઇ સંઘારના ખેતરની બાજુમાં ધાણીપાસાથી જુગાર રમતા ધવલ અનિલભાઇ રાજગોર
(ભુજ), ધીરેન હીરજી સંઘાર (પીપરી), કિશોર વાલજી સંઘાર (બિદડા),
લીલાધર બેચરભાઇ સંતોકી (મોરબી), જગદીશ મેઘજીભાઇ
મોતીવરસ, ધવલ શંભુભાઇ મંગે (બંને માંડવી)ને ઝડપી પાડયા હતા. જ્યારે
ક્લબનો સંચાલક અશોક કેસરભાઇ સંઘાર (પીપરી) તથા તેનો ભાગીદાર હિરેન આશિષભાઇ સંઘાર (પીપરી) અને હિરેન
ઉર્ફે પિન્ટુ શાંતિલાલ રાજગોર, પૂજન ગિરીશભાઇ રાજગોર,
જાવેદ હિંગોરજા, સાજિદ હિંગોરજા (રહે. તમામ ભુજ)
તેમજ રામજી ઉર્ફે રામો હીરાલાલ સંઘાર, મહાદેવ શિવજીભાઇ સંઘાર,
જખુભાઇ હાજાભાઇ સંઘાર (રહે. તમામ પીપરી) અને અનિયો બાપુ (માંડવી) તેમજ
એક્ટિવા નં. જી.જે.-12-ઇ.કે.-6641વાળાનો ચાલક અથવા મલિક નાસી
છૂટયા હતા. આ નાસી છૂટેલામાં પૂજન અને હિરેન ઉર્ફે પિન્ટુ અગાઉ અનેકવાર જુગાર રમતા
કે ક્લબ ચલાવતા રંગેહાથ ઝડપાઇ ચૂક્યા છે. ગત વર્ષે નાગોર રોડ પર પૂજનની ક્લબ ઉપર એ-ડિવિઝન
પોલીસે ક્રોસ રેઇડ કરી 41.72 લાખનો મુદ્દામાલ
કબજે કરાયો હતો. એસએમસીએ આ દરોડામાં રોકડા રૂા. 44,500, ચાર દ્વિચક્રી વાહન કિં. રૂા. 1,00,000 અને છ મોબાઇલ કિં. રૂા. 95,000 એમ કુલ્લે રૂા. 2.40 લાખનો મુદ્દામાલ કબજે લઇ 17 આરોપીઓ વિરુદ્ધ કોડાય
પોલીસ મથકે જુગાર ધારા તળે ગુનો દાખલ કરાવ્યો છે. અત્રે નોંધનીય છે કે, એસ.એમ.સી.ની કાર્યવાહી બાદ સસ્પેન્ડ અને બદલી
જેવાં પગલાં અગાઉ લેવાઇ ચૂક્યાં છે, ત્યારે હવે ફરી ગણનાપાત્ર
જુગારના પર્દાફાશ બાદ કેવાં પગલાં લેવાય છે તેના પર મીટ મંડાઇ છે.