ગાંધીધામ, તા. 13 : શહેરના રેલવે ઓવરબ્રિજથી બસ
સ્ટેન્ડ તરફ જતા સર્વિસ રોડ પાસે બાવળની ઝાડીમાંથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ પંજાબના બે
શખ્સને પકડી પાડી તેમની પાસેથી રૂા. 58,08,000નો માદક પદાર્થ હેરોઈન જપ્ત કર્યું હતું. પકડાયેલા શખ્સો પૈકી
એક શખ્સ અગાઉ પણ માદક પદાર્થ સાથે ઝડપાયો હતો. શહેરના રેલવે ઓવરબ્રિજથી બસ સ્ટેન્ડ
તરફ આવતા સર્વિસ રોડ પાસે બાવળની ઝાડીમાં બેઠેલા બે શખ્સ માદક પદાર્થ વેચવા આવ્યા હોવાની
પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ આજે સવારે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં ટેન્કરો, અન્ય લોકો નજીક બેઠેલા પંજાબ-તરનતારનના કુલવિંદરસિંઘ
હરદેવસિંઘ તથા લખવિંદરસિંઘ ગુરતાનસિંઘ નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ શખ્સો
પાસે રહેલા થેલાઓની તપાસ કરાતાં તેમાંથી માદક પદાર્થ તથા ડિજિટલ વજન કાંટો વગેરે મળી
આવ્યા હતા. આ મુદ્દામાલ સાથે બંનેને આદિપુર એસ.ઓ.જી. કચેરીએ લઈ જવાયા હતા. જ્યાં બંનેની
તપાસ કરાતાં કુલવિંદર પાસેથી પાકિટ મળ્યું હતું, જેમાં ડિજિટલ
વજન કાંટો પેન્સીલ સેલવાળો તથા બે પ્લાસ્ટિકની થેલીમાંથી આછા પીળા રંગનો પાઉડર તથા
નાની કટકી સ્વરૂપમાં અને બીજીમાંથી આછા પીળા રંગના નાના કટ્ટા, ભુકા સ્વરૂપમાં માદક પદાર્થ મળ્યો હતો. અહીં એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પૃથક્કરણ
કરતાં આ પદાર્થ હેરોઈન હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું, જેનું વજન કરાતાં 116.16 ગ્રામ કિંમત રૂા. 58,08,000 હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સો પાસેથી 31 નાની પ્લાસ્ટિકની થેલીઓ મળી
આવી હતી જે ગ્રાહકો શોધી બાદમાં વજન કાંટા ઉપર વજન કરીને થેલીમાં ભરીને વેચવામાં આવતો
હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ શખ્સોએ સંગતપુરા,
નવશેરા, તરનતારનના સુખા નામના શખ્સ પાસેથી આ માદક
પદાર્થ ખરીદ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ આપી હતી. પકડાયેલા આ શખ્સો પૈકી એક શખ્સ
અગાઉ પણ એસ.ઓ.જી.ના હાથે પકડાયો હતો. માદક પદાર્થના તે કેસની તપાસ કંડલા પી.આઈ.ને આપવામાં
આવી હતી, જેમાં મોટી ચાર્જશીટના પગલે આ શખ્સને જામીન મળી ગયા
હોવાનું બહાર આવ્યું હતું. જે પ્રકરણમાં બાદમાં પી.આઈ. સસ્પેન્ડ પણ થયા હતા. આજે પકડાયેલા
આ પ્રકરણમાં પણ આગળની તપાસ કંડલા પોલીસને સોંપવામાં આવી છે. જિલ્લાના આર્થિક પાટનગર એવા આ શહેરમાં પંજાબથી આવતા
શખ્સો માદક પદાર્થો લઈ આવી વાહનચાલકો સહિતના ગ્રાહકો શોધી તેમને પદાર્થ વેચીને પરત
નાસી જતા હોય છે. આ વર્ષ દરમ્યાન એસ.ઓ.જી.એ માદક પદાર્થના 18 ગુના દાખલ કર્યા છે, તેમાંથી અંદાજ આવે છે કે, માદક પદાર્થ આવતો કેટલો હશે? આ કાર્યવાહીમાં પી.આઈ. ડી.ડી.
ઝાલા તથા સ્ટાફના વીરેન્દ્ર પુરોહિત, વનરાજસિંહ, પુંજાભાઈ ચાડ, વિશ્વજિતસિંહ, સુનીલભાઈ,
અશોકભાઈ, હેમુભાઈ, ઈન્દ્રાબેન,
શ્રિયાબેન વગેરે જોડાયા હતા.