ભુજ, તા. 12 : લખપત તાલુકાનાં મોરગરથી દયાપર
વચ્ચે બાવળોની ઝાડીમાં વાયર ઉપરની રબર ઉતારતા શંકાસ્પદ ત્રણ શખ્સને એલસીબીએ ઝડપી પાડતા
પવનચક્કી ઉપરથી વાયરચોરીઓ ખુલી છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પેટ્રોલિંગ
દરમ્યાન ટીમને બાતમી મળી હતી કે, હકીમ
માઠીણાભાઈ જત (રહે. મોરગરવાંઢ) તેના મળતિયાઓ સાથે મળી પવનચક્કીના વાયર કાપી અને વાયર
સાથે મોરગરથી દયાપર જતા રસ્તે બાવળની ઝાડીમાં હાજર છે અને વાયરો સગેવગે કરવાની ફિરાકમાં
છે. આ બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડી હકીમ
ઉપરાંત અહેશાનભાઈ શોભાભાઈ જત અને વસાયાભાઈ ઈબ્રાહિમભાઈ જત (રહે. બંને ઓડીવાંઢ)ને
વાયરો તથા બેટરીવાળા કટર સાથે ઝડપી લીધા હતા. આ અંગે યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતા
જણાવ્યું કે, આજથી બે-ત્રણ દિવસ પહેલાં રાતે ત્રણે ભેગા મળીને
મોરગરથી લાખાપર વચ્ચે આઈનોક્સ કંપનીની પવનચક્કીમાંથી આ અર્થિંગ કેબલ કાપી સીમમાં સંતાડયો
હતો અને વાયર પરથી રબર દૂર કરી કટિંગ કરવા ભેગા થયા હતા. આ ઉપરાંત આ ત્રિપુટીએ આજથી
20થી 25 દિવસ પૂર્વે વિરાણીથી લાખાપર વચ્ચે અને 15થી 20 દિવસ પહેલા ઓડીવાંઢથી દયાપર વચ્ચે આઈનોક્સ કંપનીની પવનચક્કીમાંથી
અર્થિંગ કેબલ કાપી તેના પરની રબર ઉતારી થોડા દિવસ બાદ હકીમભાઈ ભુજના નળવાળા સર્કલથી
થોડે દૂર એક ભંગારના વાડામાં વેચ્યાનું જણાવ્યું હતું. 50 કિલો વાયર કિ. રૂા. 25000 તથા કટર રૂા. 2000ના શક પડતા મુદ્દામાલ સાથે
ત્રણેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.