• બુધવાર, 16 જુલાઈ, 2025

ગાંધીધામના ગુરુકુલ વિસ્તારમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 9 : પૂર્વ કચ્છમાં પોલીસે જુદી-જુદી બાવન ટીમ બનાવી જુદી-જુદી જગ્યાએ મેડિકલ સ્ટોર તથા અન્ય દુકાનોની તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં પ્રતિબંધિત વેપ (ઈ સિગારેટ)ના જથ્થા સાથે શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. શાળા, કોલેજોની આસપાસ આવેલા મેડિકલ સ્ટોર તથા અન્ય દુકાનોમાં તપાસ હાથ ધરી નશાકારક સિરપ, ગોળીઓનું વેચાણ થતું હોય, તો આવા નશાકારક પદાર્થનું વેચાણ કરતા શખ્સો ઉપર કાર્યવાહી કરવા વિશેષ ઝુંબેશનું આયોજન કરવા રાજ્ય સરકારે આદેશ આપ્યો હતો, જે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે બાવન ટીમ બનાવી આજે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમ્યાન પૂર્વ કચ્છમાં 156 મેડિકલ સ્ટોર તથા અન્ય દુકાનોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં પી.એન. અમરશી શાળા પાસેથી મહેશકુમાર નારણદાસ મંગનાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ પાસેથી જુદી-જુદી બ્રાન્ડની પ્રતિબંધિત વેપ (ઈ સિગારેટ) 14 નંગ કિંમત રૂા. 16,800નો જથ્થો જપ્ત કરાયો હતો. સેક્ટર-7માં અલ્પેશ ભીમજી નિંજારની મેડિકલમાંથી રૂા. 95,550ની કોડેઈન સિરપ નંગ 490 જપ્ત કરી હતી. આ અંગે પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરાઈ હતી. શાળા કોલેજોની આસપાસ વેચાતા નશાના કારણે અનેક યુવાનો તેના રવાડે ચડીને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. પોલીસની આવી કામગીરીના પગલે અમુક શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો. 

Panchang

dd