• બુધવાર, 16 જુલાઈ, 2025

પદ્ધરની બેન્કમાં 74 લાખની ઉચાપત

ભુજ, તા. 9 : બેન્ક નિયમ પ્રમાણેની કાર્યવાહી ન કરી પદ્ધરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂત ખાતેદારની લોન મંજૂર કરી રૂા. 74,03,500ની ઉચાપત કરી હતી. બેન્ક મેનેજરને જાણ થતાં ઓડિટમાં ખેડૂતોના ખાતામાંથી રૂા. 41,08,000 પરત મેળવાયા હતા. પાકધિરાણ અધિકારી અને સાગરીત વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ થઇ છે. આ અંગે આજે પદ્ધર પોલીસ મથકે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, જામનગરના રિજિયોનલ ઓફિસના અધિકારી દીપક મંગલ અગ્રવાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પદ્ધર ગામની  બ્રાન્ચમાં તા. 25/7/21થી તા. 27/3/24 સુધી એગ્રીકલ્ચર ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારી અક્ષય રૂપારો દેવજી રીઠે (મહારાષ્ટ્ર)એ તેમની ફરજ દરમ્યાન બેન્કના 21 ખેડૂત ખાતેદારને  બેન્કના નિયમ પ્રમાણેની કાર્યવાહી કર્યા વિના અનઅધિકૃત રીતે કુલ રૂા. 74,03,500 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ અંગે બેન્કના મેનેજરને જાણ થયા બાદ ઓડિટ ડિપાર્ટમેન્ટે તપાસ કરી હતી અને વિવિધ ખાતેદારોનાં ખાતામાં જમા પડેલા રૂા. 41,08,000 પરત મેળવાયા હતા અને બાકીના રૂા. 30,94,000 પોતાના તથા તેના સાગરીત આરોપી ભરત બાબુભાઇ બકોત્રા (રહે. પદ્ધર)ના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ પાકધિરાણ અધિકારી અક્ષયે સાગરીત ભરત સાથે મળી પોતાની સત્તા અને હોદ્દાનો  દુરુપયોગ કરી બેન્ક તથા ખેડૂત ખાતેદારો સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરી નાણાકીય ઉચાપત કર્યાની બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Panchang

dd