• બુધવાર, 16 જુલાઈ, 2025

વિધિનાં બહાને લોકોને ધૂતતી મહિલા ઝડપાઇ

ભુજ, તા. 9 : ઘરે ઘરે જઇ મહિલાઓને નડતર હોવાનું જણાવી ભોળવીને વિધિનાં બહાને દાગીના ધૂતી છેતરપિંડી કરતી રાજકોટ બાજુની મહિલા લાભુબેન મહેશભાઇ નકુમ (નાથબાવા)ને માધાપરના લોકોની જાગૃતિથી પોલીસની ત્વરિત કાર્યવાહીથી ઝડપી પાડતાં આ મહિલાએ અનેકને આ રીતે ધૂત્યાનો પર્દાફાશ થયો છે. આ અંગે માધાપરના પી.આઇ. ડી. એમ. ઝાલાએ જાહેર કરેલી વિગતો મુજબ માધાપરમાં એક મરૂન કપડાંવાળી મહિલાએ વિધિના બહાને સોનાનું મંગળસૂત્ર ધૂતી લીધું છે અને તે માધાપરમાં જ ફરી રહી છે. આથી પોલીસ સ્ટાફે તુરંત કાર્યવાહી આદરી સી.સી. ટી.વી. તપાસી અને માનવીય સંદર્ભોના આધારે માધાપરના જૂનાવાસના સોનાપુરી ગેટ પાસેથી પંચોને સાથે રાખી ઝડપી લીધી હતી. આ મહિલાએ પોતાનું નામ લાભુબેન મહેશભાઇ નકુમ (નાથબાવા) (રહે. નવાગામ કુવાડવા રાજકોટ અને ધંધો (માંગવાનો) જણાવ્યું હતું. આ મહિલાના કબજામાંથી રૂા. 1.90 લાખના સોનાના મંગળસૂત્ર તથા રોકડા રૂા. 1640 મળતા આ બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતાં આ મુદ્દામાલ માધાપરની એક મહિલા પાસેથી નડતર અંગેની વિધિ કરવાનું કહી છેતરપિંડી-વિશ્વાસઘાતથી મેળવ્યાની કબૂલાત કરી હતી. આ રીતે આ મહિલાએ સુખપર અને માનકૂવામાંથી પણ છેતરપિંડી કરી હતી. આ આરોપી મહિલાને માધાપર પોલીસે ઝડપીને માધાપરના બે, ભુજ એ-ડિવિઝનના ત્રણ તથા માનકૂવા પોલીસ મથકનો એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી લાભુબેન કોઇ પણનાં ઘરે જઇ તેઓની અંગત પારિવારિક તકલીફો જાણી તે દૂર કરવા નડતર અંગેની વિધિના બહાને પહેરેલા દાગીના તથા ઘરમાં પડેલા દાગીના લઇ વિધિ બાદ પરત આપીશ તેવું જણાવી છેતરપિંડી કરવાની તેની મોડસ ઓપરેન્ડી હતી. આ રીતે અનેક સાથે ઠગાઇ કર્યાનું સામે આવ્યું છે. આ કામગીરીમાં માધાપર પી.આઇ. ડી. એમ. ઝાલા, પી.એસ.આઇ. બી. એ. ડાભી, પરમવીરસિંહ ઝાલા તથા પો. હેડ કોન્સ. કાનાભાઇ રબારી, હે.કો. નીરવ કે. ડામોર, કશ્યપભાઇ આચાર્ય, મહિપાલસિંહ ગોહિલ, કોન્સ. સંજયભાઇ ડામોર, ચેતના ખેર જોડાયા હતા. 

Panchang

dd