• બુધવાર, 16 જુલાઈ, 2025

ભાગીદારને ભાગના એક કરોડ ન આપી ઠગાઈ

ભુજ, તા. 8 : શહેરની સોના-ચાંદીના વેપારની જાણીતી પેઢી કે.જે. જ્વેલર્સના ભાગીદાર ભાઈઓ વચ્ચે છેલ્લાં ત્રણેક વર્ષથી ચાલતા 13.5 કરોડની ચોરી સહિતના ચર્ચાસ્પદ મામલા વચ્ચે ભાગીદારને એક કરોડ રૂપિયા ન આપી ઠગાઈ તથા વ્યાજખોરી સંબંધેની બે વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે જયેશભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ બનાવ 2016થી 2025 દરમ્યાન બન્યો હતો. ફરિયાદી તથા આરોપી મોટાભાઈ કિશોરભાઈ પ્રેમજીભાઈ સોલંકી અગાઉ હોસ્પિટલ રોડ પર સોની પ્રેમજી ગોવિંદજી કે.જે. જ્વેલર્સ સોના-ચાંદીની પેઢી સંયુક્ત ચલાવતા હતા. 2016માં ફરિયાદીના ભાઈ કિશોરભાઈના મિત્ર ભરત નાનાલાલ બુદ્ધભટ્ટી (સોની)ને પેઢીમાંથી બે કરોડ રૂપિયા આપ્યા હતા. 2018-2020 દરમ્યાન પેઢીના હિસાબમાં વિવાદ થતાં મોટાભાઈ કિશોરભાઈએ હાઈકોર્ટમાં આર્બિટેશન અરજી કરતાં આ મેટર કોર્ટમાં ચાલુ છે. આ બાદ ફરિયાદીના માતા પાર્વતીબેને ભરતભાઈને ઘરે બોલાવી જણાવ્યું કે, કિશોરે તમને સંયુક્ત પેઢીમાંથી રૂપિયા બે કરોડ આપ્યા હતા, તે બંને દીકરાને અડધા-અડધા એક-એક કરોડ આપી દે. ભરતભાઈએ જણાવ્યું કે, કિશોરભાઈ મને કહે એટલે હું બંનેને એક-એક કરોડ એક મહિનામાં આપી દઈશ. એક મહિના બાદ માતા પાર્વતીબેનનો ફોન ભરતભાઈ ઉપાડતા ન હોઈ આથી તા. 10/4/2019ના ફરિયાદી તથા તેમનો પુત્ર ભરતભાઈની ઓફિસે ગયા હતા, જ્યાં કિશોરભાઈ અને તેના પુત્ર બ્રિજેશ તથા ભરતભાઈના પિતા નાનાલાલની હાજરીમાં અમારી પેઢીના બે કરોડ રૂપિયા ભરતભાઈ પાસે હોવાનું સ્વીકાર્યું હતું, જે અંગેનો વીડિયો ફરિયાદીએ ઉતાર્યો હતો. કિશોરભાઈએ હાઈકોર્ટમાં આર્બિટેશનની દાખલ કરેલી અરજીની મેટરમાં તા. 5/ 4/25ના હાઈકોર્ટ સમક્ષ ભરતભાઈએ જણાવ્યું કે, તેઓની પેઢીએ બે કરોડ આપ્યા નથી. ઊલટાનું પોતે પેઢીને રૂા. 60 લાખ વ્યાજે આપ્યા છે, જેનું વ્યાજ પેઢી આપે છે. આ વ્યાજે નાણાં આપવાનું લાયસન્સ પોતા પાસે ન હોવાની કબૂલાત આપી હતી. આમ ફરિયાદીને આપવાના રૂપિયા એક કરોડ પચાવી પાડવા અને ભરતે પરવાના વિના પેઢીને 60 લાખ વ્યાજે આપી વ્યાજ મેળવ્યા અંગે ફરિયાદ નોંધાઈ છે. બી-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ઠગાઈ અને વ્યાજખોરીની કલમો તળે ગુનો નોંધી તપાસ પી.આઈ. જે.કે. મોરીએ હાથ ધરી છે.

Panchang

dd