• રવિવાર, 01 જૂન, 2025

જખૌ બંદરે લાખોનું મીઠું ન પહોંચાડી છેતરપિંડી આચરાઈ

ગાંધીધામ, તા. 22 : અબડાસા તાલુકાના જખૌ બંદરે ખાલી કરવાનું લાખો રૂપિયાનું મીઠું અન્યત્ર ખાલી કરી બારોબાર વેચી નાખવાના બનાવ અંગે ત્રણ ટ્રકચાલકો વિરુદ્ધ જખૌ મરીન પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી. જખૌ બંદરે ગુડઅર્થ મેરીટાઈમ લિમિટેડ કંપનીનું મીઠું હાજીપીર નજીક આર્ચિયન કંપનીમાંથી આવે છે. વાહનચાલકો આ આર્ચિયન કંપનીમાંથી મીઠું ભરી નખત્રાણા-તેરા-બિટ્ટા થઈને જખૌ બંદર પહોંચે છે જ્યાં વે-બ્રિજ ઉપર વજન કરાવી રજિસ્ટરમાં નોંધણી કરાવી બાદમાં માલ બંદરે ખાલી કરવામાં આવે છે. જખૌ બંદરે પોર્ટ ફેસિલિટી સિક્યોરિટી ઓફિસર તરીકે કામ કરનાર ફરિયાદી વિનોદ રવિશંકર જોશીને ગત તા. 26/2ના જાણ થઈ હતી કે ટ્રક નંબર જીજે-12-બીઝેડ-9122નો ચાલક સલીમ જુસબ લાડક (રહે. કિડાણા), જીજે-12-બીઝેડ-9022નો ચાલક પુષ્પેન્દર જાનસિંઘ યાદવ (રહે. ગણેશનગર, ગાંધીધામ) તથા જીજે-12-બીઝેડ-0642નો ચાલક ઈમરાન આમદ મથડા (રહે. વીડી અંજાર) નામના શખ્સો આર્ચિયન કંપનીમાંથી મીઠું ભરીને નીકળ્યા છે, પરંતુ નિશ્ચિત કરેલા માર્ગ પર નહીં વાયા ખાવડાથી ભીરંડિયારા ટોલ પ્લાઝા થઈ ભુજ પાલારા જેલ વાળા માર્ગ ઉપર જઈ રહ્યા છે. ફરિયાદીએ આ અંગે તપાસ કરતાં ત્રણેય શખ્સોએ ડ્રાઈવર નવા છે, માર્ગ ભટકી ગયા છે આગળ ટ્રાફિકજામ હતો તેમજ ઘરે બીમારી છે વગેરે બહાના કર્યા હતા. બાદમાં ફરિયાદીએ આ ત્રણેય તથા તેમના વાહનો અંગે તપાસ કરી હતી જેમાં ગાડી જીજે-12-બીઝેડ-9122 વાળી તા. 2/2/2025થી 23/02/2025 સુધી 10 વખત જખૌ બંદરે મીઠું ખાલી કરવા આવી હોવાની એન્ટ્રી જોવા મળી હતી પરંતુ સિક્યોરિટી રજિસ્ટર અને સીસીટીવીના ફૂટેજમાં આ ગાડી માત્ર એક જ વખત તા.17/2ના જ જખૌ પોર્ટ પર આવી હોવાનું બહાર આવ્યું હતું.  જ્યારે ટ્રક નંબર જીજે-12 -બીઝેડ -9022વાળી તા.28/1થી 23/2 સુધી 11 વખત ગાડી ખાલી કરવા આવી હોવાની એન્ટ્રી વે -બ્રિજ પર જોવા મળી હતી. ખરેખર આ ગાડી તા.17/2ના એક જ વખત આવી હતી. ગાડી નંબર જીજે-12-બીઝેડ-0642વાળી તા.20/2થી 27/2 સુધી ત્રણ વખત આવી હોવાનું વે-બ્રિજ એન્ટ્રીમાં દર્શાવવામાં આવ્યું હતું પરંતુ તે ગાડી પણ એક વખત તા.20/2ના જ જખૌ બંદરે આવી હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાયું હતું. આર્ચિયન કંપનીથી મીઠું ભરી જખૌ બંદરે લઈ આવવાની જગ્યાએ વે-બ્રિજ ઓપરેટર સાથે સાંઠગાંઠ કરી એન્ટ્રી કરાવી ગાંધીધામ બાજુ બારોબાર મીઠું વેચી દઈ કંપની સાથે લાખોની છેતરપિંડી, વિશ્વાસઘાત કરનારા આ ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd