• રવિવાર, 01 જૂન, 2025

ગાંધીધામમાં બેંકના નિવૃત્ત મહિલા કર્મીના 1.65 લાખ બારોબાર ઉપડી ગયા

ગાંધીધામ, તા. 21 : શહેરના સપનાનગરમાં રહેનાર બેંકના નિવૃત્ત મહિલા કર્મચારીને ક્રેડિટકાર્ડમાં લિમિટ વધારવાનું કહી ઠગબાજ ટોળકીએ બારોબાર રૂા. 1,68,567ની ઉપાડી લઇ ઠગાઇ, છેતરપિંડી આચરી હતી. શહેરના સપનાનગર-એન.યુ. 4, મકાન નંબર ઇ-52માં રહેનાર તથા એસ.બી.આઇ. બેંકમાંથી નિવૃત્ત થયેલા ધનલક્ષ્મીબેન શૈલેશ ગોર નામના મહિલા આ બનાવનો ભોગ બન્યા હતા. ગત તા. 25/4ના બપોરે મહિલા પોતાના ઘરે હતા, ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને એચ.ડી.એફ.સી. બેંકના ક્રેડિટકાર્ડ કોના નામે છે, તેવું પૂછતાં  ફરિયાદીએ પોતાના પતિના નામે હોવાનું કહ્યું હતું. આ કાર્ડમાં ક્રેડિટ વધારવી છે તેવું પૂછતાં ફરિયાદીએ હા પાડી હતી. બાદમાં થોડીવાર બાદ ફરીથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો, જેમાં મીરાં નામ ધારણ કરનાર મહિલાએ ભોગ બનનાર પાસેથી કાર્ડની તમામ વિગતો માગી હતી અને મહિલાએ આપી દીધી હતી. એકાદ કલાક ચાલેલા કોલમાં મીરાંએ ફોન કટ ન કરવા અને પ્રોસેસ ચાલુમાં હોવાનું તથા ક્રેડિટ રૂા. 5,60,000 થઇ ગયાનું કહ્યું હતું. દરમ્યાન, મહિલાને શંકા જતાં તેમણે ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં પોતાના પતિના ક્રેડિટકાર્ડમાં ઓનલાઇન તપાસ કરતાં ત્રણ ટ્રાન્જેક્શન થઇ ગયાનું બહાર આવ્યું હતું. તેમણે પોતાના દીકરાને ફોન કરીને તરત પોતાનું અને પોતાના પતિનું કાર્ડ બ્લોક કરાવી નાખ્યું હતું. આ ઠગબાજ ટોળકીએ બારોબાર રૂા. 1,65,567 ઉપાડી લીધા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd