• રવિવાર, 01 જૂન, 2025

કેરામાં ક્રિકેટ રમવા જતા ગોયરસમાના ત્રણ યુવાનને અકસ્માત નડતાં એકનું મોત

ભુજ / ગાંધીધામ, તા. 20 : મુંદરા તાલુકાના ગોયરસમાના ત્રણ યુવાન રવિવારે બાઇકથી ક્રિકેટ રમવા કેરા જઇ રહ્યા હતા ત્યારે મંગરા-ભોરારા વચ્ચે ટ્રકે હડફેટે લેતાં 21 વર્ષીય અર્જુનસિંહ ચતુરસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાન ઘાયલ થયા હતા.  રાપર તાલુકાના બાલાસર નજીક કારમાં બાઇક ભટકાતાં બાઇક પર સવાર શંભુ પરબત ચૌહાણ નામના યુવાનનું મોત થયું હતું તેમજ અન્ય એકને ઇજાઓ પહોંચી હતી. રવિવારે બપોરે ગોયરસમાના યુવાનો અર્જુનસિંહ તેની બાઇક નં. જી.જે. 12 એચ.ઇ. 4310વાળી લઇને તેની પાછળ રણજિતસિંહ જાડેજા અને મંથન મહેશ્વરીને બેસાડી કેરામાં ક્રિકેટ મેચ રમવા જઇ રહ્યા હતા, ત્યારે મંગરા-ભોરારા વચ્ચે ઉમિયા કૃપા ફાર્મહાઉસ પાસે સામેથી પૂરપાટ આવતી હાઇવા ટ્રક નં. જી.જે. 12 એ.યુ. 7550વાળીએ બાઇકને હડફેટે લેતાં ત્રણે યુવાન ઘસડાતાં રોડ પર પટકાયા હતા. ઘાયલ યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતમાં અર્જુનસિંહના શરીરેથી વધારે પડતું લોહી નીકળી ગયું હોવાથી ગંભીર હાલતમાં એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ ખસેડાઇ રહ્યા હતા, પરંતુ અમદાવાદ પહોંચે તે પહેલાં જ હળવદમાં જ અર્જુનસિંહે અંતિમશ્વાસ લીધા હતા. બનાવ અંગેની વિગતો મુંદરા મરીન પોલીસ મથકે જાહેર થતાં ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરાઇ છે. રાપરના ગેડીમાં રહેનારા ફરિયાદી વજા હાજા દૈયા (રજપૂત) નામનો યુવાન બાલાસરમાં પોતાની ઇલેક્ટ્રોનિકની દુકાન બંધ કરીને ગત તા. 17/5ના પરત ઘરે જઇ રહ્યો હતો. કાર નંબર જી.જે. 01 કે.વાય. 6580 લઇને આ યુવાન દ્વારકાધીશ હોટેલ પાસે પહોંચ્યો હતો, ત્યારે સામેથી આવતાં વાહનને ઓવરટેક કરવા જનારી બાઇક નંબર જી.જે. 12 ડી.આર. 1141વાળું આ કારમાં વચ્ચોવચ્ચ અથડાયું હતું, જેમાં બાઇકચાલક દિનેશ બાબુ ચૌહાણ અને શંભુને ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે શંભુ ચૌહાણને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્યને સારવાર હેઠળ રખાયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd