ભુજ, તા. 20 : ચારેક વર્ષ પૂર્વે સુથરીના
દરિયાકિનારેથી મળેલાં ચરસનાં પેકેટ વેચવાની પેરવીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો
થયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ કચ્છના દરિયાકિનારેથી મળી આવતા બિનવારસુ માદક પદાર્થ
ચરસનાં પેકેટ પૈકી અમુક પેકેટો અજાણ્યા ઇસમો પોતા પાસે રાખી વેચાણ કરવાની શોધમાં છે, જેમાં સુથરી પાસે મળેલા લૈયારીના પચાણ નાથા
કોળી વેચવાની પેરવીમાં હોવાની બાતમીના આધારે એસઓજીને ચરસ 16.850 કિલો કિં.રૂા. 25,50,800નો મુદ્દામાલ મળી આવતાં આરોપીઓ
પચાણ તથા અભરામ ઉર્ફે ઇબ્રાહિમ બાવલા કોલી (રહે. કોસા, તા. અબડાસા) તથા થારૂ ખમુ કોળી (જેમાં થારૂ
ટ્રાયલ દરમ્યાન મૃત્યુ પામતાં એબેટ કરવામાં આવ્યા છે)ને સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટમાં
રજૂ કર્યા બાદ જ્યુ. કસ્ટડીમાં મુકાયા હતા. સરકાર દ્વારા 12 સાક્ષી તથા વિવિધ 29 દસ્તાવેજી પુરાવા ચકાસી કોર્ટે
શિક્ષાપાત્ર આ ગુનામાંથી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. આરોપી પચાણના
વકીલ તરીકે જી. એન. ગઢવી અને આરોપી અભરામના વકીલ તરીકે એ. આર. મલેક, પ્રફુલ્લકુમાર બી. સીજુ, નવીન આર. સીજુ તથા કેશવ જે. ભદ્રુ હાજર રહ્યા હતા. - ખૂની હુમલામાં આરોપીના જામીન
મંજૂર : ફરિયાદી સાથે બે આરોપીએ તાર ફેન્સિંગના
કોન્ટ્રાક્ટ બાબતે બોલાચાલી કરી કામ અટકાવી આરોપીઓએ ધારિયા, તલવાર, પાઇપ જેવા હથિયારથી
ખૂની હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ગાડીને નુકસાન કર્યાનો ગુનો કંડલા મરીન પોલીસ મથકે
નોંધાતાં આ કેસમાં આરોપી વસીમ અકરમ આમદ સોઢાએ ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન મેળવવા
અરજી કરતાં તે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટમાં આરોપીના વકીલ તરીકે એ. એ.
જાબુઆવાલા તથા સ્થાનિકે વકીલ તરીકે કુલદીપ જિતેન્દ્રભાઇ મહેતા હાજર રહ્યા હતા. - બેંકલોનના ચેક બાઉન્સ કેસમાં
આરોપી નિર્દોષ : આરોપી જુસબ
આમદ શેખ (રહે. સુમરાસર-શેખ)ની વિરુદ્ધ ફરિયાદી ધી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ
વિકાસ બેંક લિ. ભુજના ઓથોરાઇઝડ પર્સન અશ્વિન નેમચંદ મહેતા રૂા. 11,80,725ને લોન પરત કરવા સંબંધે આપેલો
ચેક બાઉન્સ થવા અંગેનો કોર્ટમાં દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં રેકર્ડ પુરાવા ધ્યાને
લઇ આરોપીને આ ગુના કામે નિર્દોષ ઠરાવી છોડી મૂકતો ચુકાદો ભુજની અધિક જ્યુડિ. મેજિ.
કોર્ટે આપ્યો છે. આ કેસમાં આરોપીના વકીલ ગોપાલ કે. ગઢવી હાજર રહ્યા હતા. - મિલકતના હિસ્સા સંબંધે નીચલી
કોર્ટનો હ્કુમ : મૂળ કચ્છના
હાલે મુંબઇના જયકાંત લખમશી માલદે (શાહ) વાદીએ તેમના વડીલની મિલકતોમાં તેમનો 1/5 ભાગ-હિસ્સો મેળવવા સબબ માંડવી
કોર્ટમાં દિવાની કેસ મૂળ કચ્છના હાલે મુંબઇ રહેતા પુષ્પાબેન લખમશી શાહ (માલદે), જયેશ લખમશી શાહ (માલદે), હિરેન લખમશી શાહ (માલદે), નંદીતાબેન લખમશી શાહ (માલદે)
પ્રતિવાદીઓ વિરુદ્ધ દિવાની દાવો દાખલ કર્યો, તેમાં માંડવીની કોર્ટે
વાદીના પુરાવા ધ્યાને લઇ જયકાંત વાદીની તરફેણમાં ચુકાદો આપી અને હિસ્સો આપવા હુકમ ફરમાવેલો.
આ હુકમથી નારાજ થઇ પુષ્પાબેન લખમશી શાહ (માલદે) વિગેરે પ્રતિવાદીઓએ એપેલન્ટ કોર્ટમાં
નીચેની કોર્ટનો હુકમ રદ ફરમાવવા અપીલ દાખલ કરી, જેમાં બંને પક્ષકારની
દલીલ સાંભળી તથા રજૂ થયેલા વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ - એપેલન્ટની અપીલ મંજૂર કરતો અને નીચેની માંડવીની
કોર્ટનો હુકમ રદ ફરમાવતો હુકમ ભુજના છઠ્ઠા અધીક ડિસ્ટ્રીક્ટ જજની અદાલતે ફરમાવ્યો છે.
આ કામે એપેલન્ટ તરફથી વકીલ બકુલ આર. મહેતા, આબીદ ઓ. મેમણ હાજર રહ્યા હતા. - ભુજ : વીજબીલના કેસમાં ગ્રાહકની તરફેણમાં ચુકાદો : ભુજના સંજોગનગરમાં પ્રા. શાળા નં. 16 પાસે રહેતા સુમરા રમજાન હુશેનનું
વીજ મીટર વધુ ફરતું હોઇ પીજીવીસીએલની ટીમ ગત તા. 23-8-23ના ચેક કરવા આવી હતી અને મીટર ઉતારી લઇ ગઇ હતી, જ્યાં મીટરની ચકાસણી બાદ તા. 22-8-24ના રૂા. 76,251.42નું વીજબિલ ફટકારવામાં આવતાં
અરજદારે ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ-ભુજમાં ધા નાખતાં વિવિધ કાગળો-આધારો ચકાસી સંબંધિત
વીજ કચેરીના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા અને અરજદારને અગાઉ અપાયેલું વીજબિલ
રદ કરવા અને એવરેજ 100 યુનિટનું
બિલ રિકવર કરવા હુકમ કર્યો છે.