ગાંધીધામ, તા. 20 : શહેરના જી.આઈ.ડી.સી.માં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે પકડી
પાડી રોકડ રૂપિયા જપ્ત કર્યા હતા. શહેરનાં જી.આઈ.ડી.સી.માં હરીશ ટ્રાન્સપોર્ટ સામે
ચાની કેબિન પાસે પોલીસે આજે બપોરે છાપો માર્યો હતો. અહીં ઊભા રહીને પી.એસ.એલ. કાર્ગોનો
હિન્દી ભાષી એવા શેર અલી અબ્દુલ જમીલ રાયણ નામનો શખ્સ લોકો પાસેથી આંકડો લઈ રહ્યો હતો
તેને પકડી પાડી તેની પાસેથી રોકડા રૂા. 560 તથા પેન, પાનું
વગેરે આંકડાનું સાહિત્ય કબજે કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છમાં તેમાંય ખાસ કરીને ગાંધીધામ,
આદિપુર અને અંજારમાં આંકડાની માયાજાળ ફેલાયેલી છે. દર વખતે આંકડાની કાર્યવાહી
દરમ્યાન નાની માછલીને પકડી પાડીને પોલીસ કાર્યવાહી કરવાનો સંતોષ માની લે છે,
પરંતુ ક્યારેય મોટા મગરમચ્છ પોલીસની ઝાળમાં આવતાં જ નથી. આવા મોટા મગર
પકડાય તો જ આંકડાની માયાજાળ ભેદી શકાય તેમ હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.