• બુધવાર, 21 મે, 2025

ચોપડવા પાસે 4.85 લાખના ડ્રગ્સ સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 9 : ભચાઉ તાલુકાના ચોપડવા ગામ નજીક રામદેવ હોટેલના સંચાલકને પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ પકડી પાડી આ શખ્સ પાસેથી  રૂા. 4,85,500નું મેફેડ્રોન તથા અન્ય શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. ભચાઉ તાલુકાના તોરણિયા ગામના  કોળીવાસમાં એક મકાનના આંગણામાંથી ગાંજાની ખેતી પકડી પાડયા બાદ આજે વધુ એક વખત માદક પદાર્થ ઝડપાયો હતો. પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સચોટ અને પૂર્વ બાતમીના આધારે ગઇકાલે સમીસાંજે કાર્યવાહી કરી હતી. ભચાઉ તરફ જતા ધોરીમાર્ગ જયશ્રી વિરામા હોટેલની સામે દેવકુશ પ્લાયવૂડ રેલવે ફાટકની બાજુમાં આવેલી રામદેવ હોટેલમાં પોલીસે કાર્યવાહી કરી હતી. આ હોટેલ ભચાઉના અર્જુનસિંહ સબળસિંહ જાડેજા પાસેથી ભાડે રાખી તેનું સંચાલન ભંવરલાલ ખિયારામ બિશ્નોઇ કરતો હતો. આ શખ્સ પોતાની હોટેલે આવતા-જતા ટ્રકચાલકો, ગ્રાહકોને મોંઘા પ્રકારના મેફેડ્રોન માદક પદાર્થ વેચાતો આપતો હતો. તેની આ હોટેલમાં પોલીસે તલાશી લેતાં કાઉન્ટરના ખાનામાંથી બે કોથળી મળી આવી હતી, જેમાં એક કોથળીમાંથી ક્રીમ રંગનો પાઉડર તથા અન્યમાંથી નાના-નાના ગાંગડા સ્વરૂપ તથા પાવડર સ્વરૂપે જથ્થો મળી આવ્યો હતો. ક્રીમ રંગનું મેફેડ્રોન (એમડી ડ્રગ્સ) 43.80 ગ્રામ કિં.રૂા. 4,38,000 તથા અન્ય શંકાસ્પદ માદક પદાર્થ 9.0 ગ્રામ કિંમત રૂા. 47,500 મળ્યો હતો. એફએસએલ અધિકારીને અહીં બોલાવી પૃથક્કરણ કરાવાતાં આ બંને માદક પદાર્થ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. એકાદ મહિના પહેલાં અહીં આવીને હોટેલનું સંચાલન કરતા આ શખ્સ પાસેથી માદક પદાર્થ, રોકડ રકમ તથા મોબાઇલ સહિત મળીને કુલ રૂા. 5,09,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજસ્થાન જોધપુરનો આ શખ્સ માદક પદાર્થ ક્યાંથી અને કોની પાસેથી મગાવતો હતો, તે બહાર આવ્યું નથી, તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે પણ વિગતો સામે આવી નથી. આ તમામ વિગતો માટે પકડાયેલા આ શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે, તેવું પોલીસે જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. પી.આઇ. ડી.ડી. ઝાલા અને સ્ટાફ જોડાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd