ભુજ, તા. 28 : ચારેક વર્ષ પહેલાં કચ્છથી બહાર
જતી અને આવતી ટપાલ-કવરો વાયા અમદાવાદને બદલે વાયા રાજકોટ કરવાના પોસ્ટ વિભાગના નિર્ણયને
લીધે કમ સે કમ એક દિવસના વિલંબની વ્યાપક ફરિયાદો
હતી, પણ હવે લાંબા સમય બાદ અંતે ખાતાએ સ્પીડ પોસ્ટ
અને ફર્સ્ટ ક્લાસ મેઈલ સિવાયની ટપાલ-કવરો માટે કચ્છનો રૂટ ફરી અમદાવાદનો કરી નાખતાં
મોડું થવાના બનાવો ઓછા થશે. માહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું કે, કચ્છ માટેનું સોર્ટિંગનું મથક (એલ વન) હવે રાજકોટને બદલે ફરી અમદાવાદ કરી દેવાયુ
છે જેથી વિલંબ ટળશે. બહારના રાજ્યો કે જિલ્લાઓમાંથી કચ્છ આવતી અને કચ્છમાંથી બહાર જતી
સામાન્ય ટપાલ-કવરો વાયા અમદાવાદ જશે. હાલ સ્પીડ પોસ્ટ અને ફર્સ્ટ ક્લાસ મેઈલ્સ વાયા
રાજકોટ જ આવે અને જાય છે પણ થોડા દિવસમાં તેનો
રૂટ પણ અમદાવાદનો કરી નાખવામાં આવશે. હકીકતમાં એવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે કે આખા રાજ્યના
સોર્ટિંગ વિભાગનું હેન્ડલ અમદાવાદના એક જ સેન્ટરમાંથી થાય. સરકારે કપ્છની ટપાલ-કવરો
અમદાવાદને બદલે વાયા રાજકોટ કરવાનો અગાઉ નિર્ણય લેતાં બહારથી આવતી ટપાલ-કવરો કચ્છમાં
પહોંચવામાં એકાદ દિવસનો વિલંબ થતો હતો.