નવી દિલ્હી, તા. 28 : યુનાઇટેડ
આરબ એમિરેટ્સમાં રોજગાર કે પરિવાર સાથે રહેતા તેમજ ત્યાની મુલાકાતે (ટૂરિસ્ટ વિઝા પર)
જતા ભારતીય નાગરિકો માટે યુએઈ સ્થિત ભારતીય મિશનો દ્વારા એક અત્યંત મહત્ત્વની એડવાઇઝરી
જાહેર કરવામાં આવી છે. અબુધાબીમાં આવેલી ભારતીય એમ્બેસી અને દુબઇ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ
જનરલ દ્વારા જણાવાયું છે કે, યુએઈ
પ્રવાસે જતા અથવા ત્યાં રહેતા દરેક ભારતીય પાસે પૂરતું મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું
અનિવાર્ય છે. આ સલાહ એટલા માટે આપવામાં આવી
છે કારણ કે, તાજેતરમાં એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં
ભારતીય નાગરિકોને અચાનક બીમારી કે તબીબી કટોકટી વખતે હોસ્પિટલોના ભારેખમ બિલ ચૂકવવામાં
ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. એડવાઇઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે,
યુએઈ જતાં પહેલાં જ યાત્રીઓએ એવો વીમો લેવો જોઈએ જેમાં કેશલેસ સુવિધા
તેમજ ઈમર્જન્સીના કિસ્સામાં દર્દીને ભારત પાછા લાવવાનો (મેડિકલ રિપેટ્રિએશન) ખર્ચ પણ
આવરી લેવાયો હોય. જે ભારતીયો પહેલેથી જ એમ્પ્લોયમેન્ટ વિઝા કે ડિપેન્ડન્ટ વિઝા પર યુએઈમાં
વસવાટ કરી રહ્યા છે, તેમણે પણ પોતપોતાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી
ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે, જેથી તબીબી સારવાર અને જરૂર
પડે તો ભારત પરત લાવવાના તમામ ખર્ચ સામે પૂરતું રક્ષણ મળી રહે. ભારત અને યુએઈ બંને
દેશ એકબીજાના ક્ષેત્રમાં રહેતા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સતત કટિબદ્ધ રહ્યા
છે.