નવી દિલ્હી, તા. 28 : મહિલા પ્રીમિયર
લીગ (ડબલ્યુપીએલ 2027)ના મિની ઓક્શનમાં
પાંચ ટીમોએ મળીને કુલ 25 ખેલાડીઓ ઉપર
દાવ લગાડયો હતો. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર સોફી મોલિનક્સ માટે રોયલ ચેલેન્જર્સ
બેંગલોર અને યૂપી વચ્ચે જોરદાર બિડિંગ યુદ્ધ જોવા મળ્યું હતું. 50 લાખથી શરૂ થયેલી બોલી 40 સેકન્ડમાં 95 લાખે પહોંચી હતી. આરસીબીએ 1.05 કરોડ સુધી જોર લગાડયું હતું પણ અંતે યુપી વોરિયર્સે 1.10 કરોડની બોલીથી મોલિનક્સને પોતાની
સાથે જોડી હતી. યૂપી વોરિયર્સે પોતાની જુની સ્ટાર ખેલાડી ગ્રેસ હેરિસને પણ 30 લાખ રૂપિયામાં ફરી ટીમમાં સામેલ
કરી હતી. આરસીબી સાથે 2026માં ખિતાબી
સફરમાં સામેલ હેરિસને એલિસ પેરીની વાપસીના કારણે રિલીઝ કરવી પડી હતી. હવે તે મેગ લેનિંગ
અથવા પ્રતિકા રાવલ સાથે યૂપી માટે ઓપનિંગ કરતી જોવા મળી શકે છે. આ ઉપરાંત યૂપીએ 10 વર્ષ પછી વાપસી કરી રહેલી ભારતીય
વિકેટકીપર બેટર સુષ્મા વર્માને 30 લાખમાં ખરીદી
હતી. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે વિદર્ભની સ્ટાર બેર દિશા કસાટને 10 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદીને
મોટો દાવ રમ્યો હતો. ભારતીય પાવર હિટર કિરણ નવગિરે માટે પણ ઓક્શન હોલમાં જોરદાર હલચલ
રહી હતી. 40 લાખની બેઝ પ્રાઈસથી શરૂ થયેલી
જંગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ આમનેસામને આવ્યા હતા. કિંમત 70 લાખે પહોંચતા જ સીમિત પર્સના
કારણે મુંબઈએ પીછેહઠ કરી હતી અને દિલ્હી કેપિટલ્સે 75 લાખમાં કિરણને ટીમમાં સામેલ કરી હતી.