નવી દિલ્હી, તા. 28 : ભારતીય મહિલા
કુશ્તી ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયનશિપમાં નવો ઈતિહાસ રચ્યો છે. અત્યારસુધીમાં ટૂર્નામેન્ટના
ઈતિહાસમાં માત્ર એક જ ભારતીય મહિલએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે એક જ દિવસમાં બે
યુવા ભારતીય ખેલાડીએ ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી છે. કાજલ ઢોચકે 76 અને નીલમ સિરોહીએ 50 કિલોગ્રામની ઇવેન્ટમાં ગોલ્ડ
માટે દાવેદારી રજૂ કરી છે. 26 વર્ષીય નીલમે
50 કિલો વર્ગમાં કજાકિસ્તાનની
જેનેપ બાયાનોવાને 7-3થી હરાવીને
અંતિમ જંગમાં પ્રવેશ કર્યો હતો હવે તેનો સામનો જાપાનની દિગ્ગજ ખેલાડી યુઈ સુસાકી સામે
થશે. પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સુસાકીના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ છે.
નિલમ સિરોહી વિશ્વ ચેમ્પિયનશિપના ખિતાબી મુકાબલામાં પહોંચનારી બીજી મહિલા પહેલવાન બની
છે. બાદમાં 18 વર્ષિય કાજલે પણ સિદ્ધિ મેળવી
હતી. કાજલે 76 કિલો વર્ગના સેમીફાઇનલમાં અનુભવી
કિર્ગિસ્તાનની અનુભવી પહેલવાન આઇપેરી મેડેટ કાઈજીને 10-7થી હરાવીને શાનદાર વાપસી કરી
હતી. આ સાથે જ ખિતાબી મુકાબલામાં પહોંચનારી ત્રીજી ભારતીય બની હતી. હવે ફાઇનલમાં કાજલનો
મુકાબલો યુક્રેનની યુરોપીય ચેમ્પિયન અનાસ્તાસિયા અલ્પયેયેવા સામે થશે. - 2021માં અંશુ મલિકે સિલ્વર
મેડલ જીત્યો હતો : આ પહેલા વિશ્વ
ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચનારી એક માત્ર ભારતીય પહેલવાન અંશુ મલિક હતી. જેણે 2021મા સિલ્વર મેડલ જીત્યો હતો.
કાજલ અને નિલમ બન્ને પાસે હવે ગોલ્ડ મેડલ જીતવાની તક છે. આ બન્ને ખેલાડી એશિયન ગેમ્સમાં
જગ્યા બનાવવામાં નાકામ રહી હતી.