• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

રાપરમા રોડ ડિવાઈડર નું કામ અધૂરું મુકનાર એજન્સીની ડિપોઝિટ જપ્ત કરાશે

રાપર, તા. 28 : નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં ગટર, પાણી, સફાઈ, દબાણ, સહિતનાં પ્રશ્નો પર ચર્ચા કરી તેને ઉકેલવા માટે વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતાં.   પ્રમુખ ચાંદ ઠક્કરની અધ્યક્ષતામાં આયોજિત આ સામાન્ય સભામાં અઠ્ઠાવીસમાંથી સત્તર નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. ગત મિનિટ્સનું વાંચન અને ત્રિમાસિક હિસાબોને સર્વાનુમતે બહાલી આપી કર્મચારીઓની ભરતી, સફાઈ કામદારોનું પે ફિક્સેશન, અલગ અલગ ગ્રાન્ટોમાંથી બાંધકામોનાં આયોજનોની ચર્ચા કરવામાં આવી હતી. તે મુજબ ટાઉન હોલ નવો બનાવવો, વિકાસવાડી આગળ હોકર્સ ઝોન, અંદર જૂના ક્વાર્ટર તોડી પે એન્ડ પાર્કીંગ, અૉફિસમાં સોલાર લગાવવા, જૂની બંને શાક માર્કેટમાં દુકાનો બનાવવા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તો યુડીપી અંતર્ગત રોડ અને ડીવાઈડરનું કામ રાખનાર એજન્સીએ કામ અધૂરું છોડી દેતાં તેની ડીપોઝીટ જપ્ત કરી તેની પાસેથી કામ ન કરાવવા જેવા મુદ્દે સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. તો હરરાજીમાં વેચાયેલા ભંગાર વાહનોનું વજન જણાવ્યા કરતાં ઓછું થવાની ખરીદનાર પાર્ટીની ફરિયાદને પગલે તેની તપાસ કરવા કમિટી બનાવવામાં આવી હતી. જર્જરિત ઈમારતો તોડી પાડવા નોટિસ આપતી નગરપાલિકાની ખુદની કચેરી પણ જર્જરીત હાલતમાં હોઈ તેનાં રિનોવેશન અને મુખ્ય અધિકારીનાં ક્વાર્ટરનાં રિનોવેશનનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તો જોખમી ઈમારતો પણ ટૂંક સમયમાં જ તોડી પાડવામાં આવશે તેમ મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. મુખ્ય અધિકારીની ટકોરને પગલે પ્રથમ વખત પ્રતિનિધિને બદલે ચૂંટાયેલા કાઉન્સિલરો જ ઉપસ્થિત રહ્યા હતાં. તો ઘણાં સમય પછી કાયમી અને અનુભવી મુખ્ય અધિકારીએ વિવિધ મુદ્દે છણાવટ કરી ખુલ્લી ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ શાહ, સત્તા પક્ષનાં નેતા મહાવીરાસિંહ જાડેજા, દંડક હસુમતીબેન સોની, ભીખુભા સોઢા, પુંજાભાઈ પટેલ, મુખ્ય અધિકારી સંદિપાસિંહ ઝાલા, દક્ષાબેન ગોસ્વામી વગેરે નગરસેવકો,  ઉપસ્થિત રહ્યા હતાં. નગરપાલિકાનાં કર્મચારીઓએ આયોજન અને વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન હેતુભા રાઠોડે કર્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd