ગાંધીધામ તા. 28 : શહેરના એ-ડિવિઝન પોલીસ મથકના વર્ષ 2013ના જૂના અને ચર્ચાસ્પદ ગુનામાં
જપ્ત કરાયેલા લાખો રૂપિયાના સોનાંના મુદ્દામાલની હેરાફેરી અને ઉચાપત કરવા અંગે ગંભીર ખુલાસો થયો છે. આ અંગે લાંબી
તપાસના અંતે તત્કાલીન ક્રાઈમ રાઈટર હેડ વિરુદ્ધ જુદી-જુદી કલમો તળે ગુનો નોંધવામાં
આવ્યો છે. શહેરના એ-ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2012માં જુદી-જુદી કલમો તળે એક
ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ દરમ્યાન અજમાયશી પીએસઆઈ જે.પી. સોલંકી દ્વારા પ્રફુલ
જયંતી સોની પાસેથી પંચનામા વિગતો મુજબ 2013માં 205 ગ્રામ 900 મિલિગ્રામ વજનનું સોનાંનું
ઢાળિયું રૂા.4,70,000નું કબજે કરવામાં આવ્યું હતું.
આ કેસની તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. કેસ અહીંની
કોર્ટમાં ચાલ્યા બાદ 2025માં આ જપ્ત
થયેલો મુદ્દામાલ મૂળ માલિક પ્રફુલ જયંતી સોનીને પરત સોંપવાનો હુકમ કરાયો હતો. હુકમ
અન્વયે અરજદાર પોતાનો મુદ્દામાલ પરત લેવા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકના રેકર્ડ
અને ` મુદ્દામાલ પાવતીની ખરાઈ કરતાં સોનાંનું
ઢાળિયું તત્કાલીન ક્રાઈમ રાઈટર હેડ પાસે જમા થયાનું દર્શાઈ આવ્યું હતું પરંતુ મુદ્દામાલ
રૂમમાં આવેલી પેટી અરજદાર સામે ખોલીને તપાસ
કરતાં તેમાંથી સોનાંનું ઢાળિયું મળ્યું નહોતું. હાલનું પોલીસ મથક 2017થી અહીં કાર્યરત છે. બજારના જૂના પોલીસ મથકે જઈને તપાસ કરાતાં
ત્યાં પણ મુદ્દામાલ મળ્યો ન હતો.મુદામાલ ન મળતાં અરજદાર દ્વારા રાજ્યની વડી અદાલતમાં
અરજી કરાઈ હતી. દરમ્યાન પોલીસ વડાના આદેશ બાદ તેની તપાસ કરાઈ હતી. જેમાં 2013 દરમ્યાન એ-ડિવિઝનમાં ક્રાઈમ
રાઈટર હેડ તરીકે ફરજ બજાવતા મરતાજી કશરાજી નિનામા દ્વારા આ મુદ્દામાલ પોતાના અંગત ઉપાયોગમાં
લઈ લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે હાલના પી.આઈ. એમ. જે. રાઠોડે આ
ક્રાઈમ રાઈટર હેડ સામે ગુનો નોંધાવ્યો હતો.