ભુજ, તા. 24 : શહેર
સમીપેના માધાપરમાં ખાનગી કંપનીની ઓફિસમાં કંપનીના હિસાબ બાબતે ચાલતો વિવાદ વધુ વકર્યો
હતો અને બે ભાગીદારને રાજીનામું આપવાનાં દબાણ સાથે દસેક જણનાં ટોળાંએ ધોકા-પાઈપથી માર
માર્યાની ફરિયાદ નોંધાઈ છે.આ બનાવ અંગે કન્સ્ટ્રકશનનો ધંધો કરતા અને માધાપર રહેતા નયનભાઈ
ચંદુભાઈ પટેલે માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ કૃતિ પાવર પ્રોજેક્ટ પ્રાઈવેટ
લિ. નામની કન્સ્ટ્રકશન કંપનીમાં તે તથા અમૂલ વૃજલાલ ઠક્કર (રહે. ભુજ) અને પૂંજાભાઈ
હમીરભાઈ કાંબલિયા (રહે. માધાપર) ભાગીદાર છે. પૂંજાભાઈ સાથે ફરિયાદી અને અમૂલભાઈનો હિસાબ
બાબતે છેલ્લા નવેક માસથી વિવાદ ચાલે છે. તા. 23/4ના કંપનીની શ્રી હરિ કોમ્પ્લેક્ષમાં
આવેલી ઓફિસમાં ઓડિટની મિટિંગ બાદ પૂંજાભાઈએ ભાગીદાર અમૂલભાઈને બાજુમાં રૂમમાં બોલાવી
માર મારતા હતા જેની રાડારાડીનો અવાજ સંભળાતો હતો. બાદમાં આરોપી પૂંજાભાઈ ફરિયાદીને
બીજા રૂમમાં બોલાવ્યા હતા. પૂંજાભાઈ ઉપરાંત તેનો ભાઈ નગાભાઈ, કાકાઈભાઈ વિજય કાંબલિયા અને પૂંજાભાઈનો દીકરો જય તથા મુંદરા સાઈડમાં કંપનીના
સપ્લાયનું કામ કરતા ભરતસિંહ તથા અન્ય અજાણ્યા
પાંચ ઈસમો એમ કુલ્લે દશેક જણા હતા. પૂંજાભાઈએ ફરિયાદીને કહ્યું કે, તમે બન્ને કંપનીમાંથી રાજીનામું કેમ નથી આપતા કહી ઉશ્કેરાઈ પાઈપ વડે ફરિયાદીને
માર માર્યો હતો. સાથેના અન્યોએ પણ ધોકા અને હાથો-લાતો વડે માર મારતાં અન્યોએ છોડાવ્યા
હતા. આરોપીઓએ કંપનીમાંથી રાજીનામું નહીં આપો તો તમને તથા તમારા પરિવારને જાનથી મારી
નાખશું તેવી ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ મહાવ્યથા,
હથિયારબંધી જાહેરનામાં ભંગ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી છે.