ગાંધીધામ, તા. 15 : પૂર્વ કચ્છમાં અસામાજિક તત્ત્વો
વિરુદ્ધની ઝુંબેશ પોલીસે જારી રાખી છે, ત્યારે ભચાઉના નામીચા બુટલેગરે બિનઅધિકૃત રીતે બાંધકામ કર્યું હોવાનું બહાર
આવતાં એસ.એમ.સી.એ ધ્યાન દોર્યું હતું. દરમ્યાન ભચાઉ પોલીસે આજે ભાડાના અધિકારીઓને સાથે
રાખીને આ બિનઅધિકૃત દબાણ તોડી પાડયું હતું. પૂર્વ કચ્છમાં 100 કલાકની યાદી તૈયાર કરવાનું
કહેવાયા બાદ અહીં 1900 જેટલાં તત્ત્વોની
યાદી તૈયાર કરવામાં આવી હતી, જે પૈકી
અનેકનાં બિનઅધિકૃત વીજજોડાણ કાપી નખાયાં હતાં અને અનેકને વીજબિલ ફટકારવામાં આવ્યાં
હતાં તેમજ અમુક અસામાજિક તત્ત્વોનાં સરકારી જમીનો પરનાં દબાણો દૂર કરી સરકારી જમીન
ખાલી કરાવાઇ હતી. પોલીસની આવી કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો,
તો અમુક શખ્સો કોર્ટમાંથી થોડા દિવસ માટે સ્ટે પણ લઇ આવ્યા હતા. આ સ્ટે
હટી જતાં પોલીસે દબાણો દૂર કરવાનું ચાલુ કર્યું હતું. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલએ
પણ અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી હતી, જેમાં પૂર્વ કચ્છના
મંજૂર નકશાથી ફેરફાર કરીને વધારાનું બિનઅધિકૃત બાંધકામ કરાયું હોવાનું બહાર આવ્યું
હતું. ભચાઉના દરબારગઢમાં રહેતા અશોકસિંહ બાલુભા જાડેજાનું નામ પણ આ યાદીમાં હતું. આ
શખ્સ વિરુદ્ધ અગાઉ દારૂના મોટા જથ્થાના સાત તથા મારામારીનો એક એમ આઠેક ગુના નોંધાયેલા
છે. બે મહિના પહેલાં પૂર્વ કચ્છ એલ.સી.બી.એ આ શખ્સની પાસા તળે ધરપકડ કરી હતી,
જેમાં તે જામીન પર છૂટયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ શખ્સે
પોતાની પત્નીનાં નામે આવેલાં મકાનમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કર્યું હોવાનું ધ્યાને
આવ્યું હતું. દરમ્યાન આજે મુખ્ય કારોબારી અધિકારી ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળને સાથે
રાખીને પોલીસ અહીં પહોંચી હતી અને આ શખ્સ દ્વારા કરાયેલું બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છમાં
આ ઝુંબેશ જારી રહેશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ કામગીરી વેળાએ ભચાઉ પી.આઇ.
એ.એ. જાડેજા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.