બીજિંગ, તા. 8 : મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધથી આખી
દુનિયામાં અજંપા વચ્ચે ચીન ભારતથી ડરી ગયું છે. ચીની વિદેશમંત્રી વાંગ યીએ એક નિવેદન
આપતાં કહ્યું હતું કે, ભારત અને ચીન
દુશ્મન નહીં દોસ્ત બને, તે ક્ષેત્રનાં હિતમાં જરૂરી છે. બેય દેશ
મહત્ત્વપૂર્ણ પાડોશી છે અને ગ્લોબલ સાઉથના સભ્ય હોવાના નાતે ઊંડા સાંસ્કૃતિક સંબંધ
અને સહિયારા વ્યાપક હિત ધરાવે છે, તેવું તેમણે જણાવ્યું હતું.
ભારતીય પત્રકારના એક સવાલના જવાબમાં ચીની વિદેશમંત્રી બોલ્યા હતા કે, ચીન-ભારત વચ્ચે આપસી વિશ્વાસ સહિયારા વિકાસ માટે જરૂરી છે. વાંગ યીએ સ્પષ્ટ
કર્યું હતું કે, ભારત અને ચીનના સંબંધો સુધારાના પાટા પર ચડી
ચૂક્યા છે. બન્ને દેશ આપસી સહયોગને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે,
તેવી વાત ચીની નેતાએ કરી હતી. વીતેલાં વર્ષે તિયાનજિનમાં રાષ્ટ્રપતિ
શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક બાદ ભારત-ચીન સંબંધોમાં મીઠાશ આવી
છે. બેય દેશના નેતાઓ વચ્ચે થયેલી સહમતી જમીની સ્તર પર અમલમાં મુકાઈ રહી છે. સંપર્કો
સ્થપાતા બન્ને દેશની જનતાને પણ લાભ થયો છે, તેવું વાંગ યી બોલ્યા
હતા.