ભુજ, તા. 8 : કચ્છ ગાંધીયાત્રા શતાબ્દી સમિતિ-કચ્છ
નવનિર્માણ અભિયાન, હુન્નરશાળા
ફાઉન્ડેશન અને અન્ય વિવિધ અગ્રણી સ્વૈચ્છિક સંસ્થા -સંગઠનોના કાર્યકરોને પોતાનાં કાર્યમાં
પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે એ હેતુસર એક મિલન યોજાયું હતું, જેમાં મહારાષ્ટ્રના વિદર્ભમાં હેમલકાસાના
આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ,
પ્રાણી સંરક્ષણ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે કાર્યરત જાણીતા સમાજસેવી
દંપતી બાબા આમ્ટેના પુત્ર પદ્મશ્રી ઉપરાંત મેગ્સેસે અને મધર ટેરેસા જેવાં અનેક સન્માન
પ્રાપ્ત ડો. પ્રકાશ આમ્ટે અને તેમનાં પત્ની
મંદાકિની આમ્ટે સાથે એક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. પતિ-પત્નીએ નાનાં-નાનાં
કાર્યોથી ત્યાંના લોકોના વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરી ચિકિત્સા અને અન્ય કાર્યોનો
કેવી રીતે પ્રારંભ કર્યો હતો તેની રસપ્રદ વાત
કરી હતી. દૂરદૂરના ગ્રામ વિસ્તારોમાં જઈ લોકોને સમજાવી માત્ર 25 બાળકોથી શરૂ કરી છાત્રાલય સાથે બધી જ સુવિધા પૂરી પાડી શિક્ષણનાં
કાર્યનો હાલે થયેલો વિકાસ અને ત્યાંના આસપાસના 30 ગામના લોકોમાં આવેલ
વ્યક્તિગત અને સામાજિક પરિવર્તનનો ચિતાર આપ્યો
હતો. આ પહેલાં નાની- નાની ફિલ્મો દ્વારા પ્રકલ્પની ઝલક આપવામાં આવી હતી. =ગાંધી કચ્છયાત્રા શતાબ્દી સમિતિના કન્વીનર રમેશભાઈ સંઘવીએ મીડિયા
પાર્ટનર કચ્છમિત્રના સહયોગ સાથે વર્ષભર યોજાયેલા
વિવિધ કાર્યક્રમોની માહિતી આપી, આ સુંદર
ગોષ્ઠિનાં આયોજનનો આનંદ વ્યક્ત કર્યો હતો.
જાણીતા ઉદ્યોગપતિ દીપેશભાઇ શ્રોફે પ્રમુખસ્થાનેથી આમ્ટે દંપતીને આવકારી, તેમના પર્યાવરણલક્ષી સમાજકાર્યમાંથી સૌને પ્રેરણા આપવા માટે આભાર વ્યક્ત કર્યો
હતો. ડો. આમ્ટે દંપતીને કચ્છ લાવી આ કાર્યક્રમનાં
આયોજન માટે જાણીતા સામાજિક કાર્યકર લીલાધર
ગડા `અધા'
તેમજ લાલ રાંભિયાનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમનું સૂત્રસંચાલન લાલ રાંભિયાએ
સંભાળ્યું હતું. વ્યવસ્થામાં હુન્નરશાળાનો
તથા સેતુ અભિયાન સહયોગ મળ્યો હતો.