ભુજ, તા. 8 : કચ્છમાં ફાગણ માસના પ્રારંભથી
હોળી તપ્યા પછી દિવસ તપવાની શરૂઆત થવા માંડી છે. કચ્છમાં ઉષ્ણતામાપક પારો ઊંચે ચડવા
સાથે પવન પડી જવાથી બફારો વર્તાઇ રહ્યો છે. ભુજમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી ઊંચકાઇ
39.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. ભુજ
સિવાય કંડલા પોર્ટ, કં. એરપોર્ટ
38 તેમજ નલિયા, મુંદરા 37 તથા માંડવી, રાપર 36 મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ઝાકળવર્ષાને કારણે ભુજ-માધાપર રિંગ રોડ પરથી ભુજિયો ડુંગર અદૃશ્ય જણાતો હતો, તો ભીખુઋષિ ડુંગર પર આવેલા મંદિરે કુદરતની અસીમ
કૃપા વરસતી હોય તેવો અદ્ભુત નજારો સર્જાયો હતો. સૂર્યોદય વેળાએ ધીણોધર ડુંગર પરથી પણ
પ્રભાત સોળે કળાએ ખીલી ઊઠી હતી. જિલ્લામથક ભુજ સહિતના વિસ્તારમાં વહેલી સવારથી જ ઝાકળભીનું
અને ભેજયુક્ત વાતાવરણ જોવા મળ્યું હતું. સવારના સમયે ધુમ્મસ છવાતાં વાહનચાલકોને મુશ્કેલીનો
સામનો કરવો પડયો હતો. કેટલીક જગ્યાએ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ઝાકળભીની
સવાર ઊગ્યા બાદ સૂર્ય બરાબર માથાં પર તપે તેમ મધ્યાહન ટાણાંથી તાપે અસર બતાવી હતી.
તાપરક્ષક ટોપી-ચશ્માંનો સહારો લેવો પડયો હતો તેમજ બજારમાં તડબૂચ-સક્કરટેટી જેવાં પાણીદાર
ફળોની બજારમાં `તાપ પ્રેરિત' તેજી જોવા મળી હતી.રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગની
વેબસાઇટ પરથી ત્રણ દિવસ સુધી હિટવેવની ચેતવણી અપાઇ હતી. આગામી 14થી કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી
કરાઇ હતી. રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પણ પડવાની ભીતિ છે. વાતાવરણના પલટાને
લીધે ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ છે. માર્ચના મધ્ય ભાગથી એપ્રિલની શરૂઆતમાં કમોસમી
વરસાદ અંગે નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે.