નવી દિલ્હી, તા. 8 : ભારત દ્વારા
પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને વિદેશ
મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિદેશ
મંત્રાલયે શનિવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં હવાઇક્ષેત્ર આંશિક રીતે ખુલ્યા બાદ 52,000થી વધારે ભારતીય સ્વદેશ પરત
ફર્યા છે. મંત્રાલયે ક્ષેત્રના તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક અધિકારીઓના દિશાનિર્દેશો
અને ભારતીય મિશન દ્વારા જાહેર કરવામાં આવેલી સલાહનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.
મંત્રાલયે કહ્યું હતું કે, વિદેશમાં ભારતીય
નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સહાયની જરૂરિયાત
ધરાવતા તમામ લોકોને સુવિધા પ્રદાન કરવા માટે ક્ષેત્રીય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા
છે. પશ્ચિમ એશિયામાં સુરક્ષાની સ્થિતિ અનિશ્ચિત બનેલી છે કારણ કે અમેરિકા અને ઈઝરાયલે
ઈરાની સ્થળો ઉપર બોમ્બમારો યથાવત્ રાખ્યો છે, જ્યારે તેહરાન સમગ્ર
ક્ષેત્રમાં ઈઝરાયલ અને અમેરિકી બેઝ ઉપર જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે
કહ્યું હતું કે, ક્ષેત્રમાં ભારતીય મિશનો તરફથી વિસ્તૃત સલાહ
જાહેર કરવામાં આવી છે અને ભારતીયોની સહાય માટે 24 કલાક ચાલુ રહેલી હેલ્પલાઇન
શરૂ કરવામાં આવી છે. વધુમાં સંકટનાં કારણે શનિવારે દિલ્હી અને મુંબઈ એરપોર્ટેથી ઓછામાં
ઓછી 100 આંતરરાષ્ટ્રીય ફલાઇટ રદ કરવામાં
આવી હતી.