• બુધવાર, 16 જુલાઈ, 2025

અન્યનો રોફ જાળવવા જતાં પી.આઇ. ભોગ બન્યા

ભુજ, તા. 9 : જિલ્લાના આ પાટનગર ખાતે કાર્યરત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના મહત્ત્વના એવા એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. હાર્દિક એસ. ત્રિવેદીને તાત્કાલિક અસરથી શિક્ષાત્મક કાર્યવાહીના સ્વરૂપમાં બદલીને લીવ રિઝર્વમાં મૂકી દેવાતાં પોલીસબેડા અને સંબંધિતોમાં ચકચાર પ્રસરી છે. સત્તાનો ગેરકાયદે ઉપયોગ કરીને નજીકના એક જમાનામાં કાયદાની રખેવાળી કરતા તંત્રમાં અવ્વલ નંબરનું સ્થાન ધરાવતા માથાનો રોફ કાયમ રાખવા જતાં આ પોલીસ અધિકારીને શિક્ષાત્મક કાર્યવાહીનો ભોગ બનવું પડયું હોવાનું બહાર આવ્યું છે. દરમ્યાન, આ વિશે જિલ્લા પોલીસવડા વિકાસ સુંડાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, અરજદાર સાથે યોગ્ય વર્તાવ ન કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે પી.આઇ. સામે પગલું લેવામાં આવ્યું છે. શ્રી સુંડાએ પોલીસ બેડાંને તાકીદ કરી કે, કાયદાના રક્ષકોની જનતા પ્રત્યે વિશેષ જવાબદારી છે અને એમાં કોઇ ચૂક ચલાવી લેવામાં નહીં આવે.  ન્યાય તંત્ર સાથે જોડાયેલા અગ્રણી કાયદાના રખેવાળ સાથે એક મહિલાનો ડખો આ ઓચિંતી બદલી માટે નિમિત્ત બન્યાનું અંતરંગ વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર શનિવારે મોડી સાંજે કાર પાર્કિંગ બાબતે મહિલાની માથાકૂટ થઇ હતી. મહિલાએ અરજીમાં કરેલા આક્ષેપ મુજબ જે વધુ વણસતાં રોફ જમાવી જૂના હોદ્દા અને સંબંધના અન્વયે એ-ડિવિઝન પોલીસની મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટુકડી બંને પક્ષને લઇ પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં મહિલાની પુત્રીએ સમગ્ર માથાકૂટના કરેલા વીડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવાને ડિલિટ કરાવાયા હતા, તેવો આક્ષેપ બહાર આવ્યો છે. સત્તાના જોરે ગેરકાયદેસર રીતે થયેલાં આ કૃત્ય બદલ સમગ્ર મામલે ગાંધીનગરના ગૃહ વિભાગમાં ફરિયાદ પહોંચી હતી, જેના પગલે પી.આઇ.ને તાત્કાલિક બદલીને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા હતા. આ આદેશ ઉચ્ચકક્ષાએથી વછૂટયા હોવાનું અંતરંગ વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે. જો કે, મહિલાની પુત્રીએ સત્તાવાર રીતે લેખિતમાં કરેલી અરજીમાં `નો-પાર્કિંગ'ના મુદ્દે ડખો થયાનું અને પોલીસે પૂરાવારૂપી મોબાઈલમાંના વીડિયો-ફોટા ડિલિટ કર્યાની વિગતો જણાવી હતી. 

Panchang

dd