ગાંધીધામ, તા. 4 : અંજારના જીઆઈડીસી વિસ્તારમાં
એક ફેકટરીમાંથી રૂા. 70,356ના યુરીયા
ખાતર સાથે ચાર મહિના અગાઉ બે શખ્સને પોલીસે પકડી પાડયા હતા. આ પ્રકરણમાં આવશ્યક ચીજવસ્તુ
ધારાની કલમો તળે ચાર શખ્સ સામે ગુનો નોંધાયો હતો. ચારેયની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં
જામીન પર મુકત થયા હતા. અંજાર જીઆઈડીસીમાં
લક્ષ્મી પોલીમર્સ નામની ફેકટરીમાં પોલીસે તા.17/10/2024ના છાપો માર્યો હતો. જીઆઈડીસી ફેસ-બે પ્લોટ નંબર 233માં આવેલી આ ફેકટરીમાં ટ્રક
નંબર જીજે-12-એકસ-2091માં આવેલ નીમ કોટેડ યુરીયા
ખાતર મજુરો ઉતારી રહ્યા હતા. જેમાં 19 બોરી નીચે ઉતારી તે બોરીનો માલ સફેદ રંગની બોરીઓમાં ભરવામાં
આવ્યો હતો, જેમાં ટેકનિકલ ગ્રેડ યુરિયા
ફોર ઈન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી લખેલું હતું. દોરીથી બાંધેલી આ બોરીઓ તંત્રની આંખમાં ધૂળ
નાખવા વપરાતી હોવાનું બહાર આવ્યું હતું. ટ્રકમાંથી
245 બોરી મળી આવી હતી. જેના ઉપર
હિન્દીમાં ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરીયા ઈફકો લખેલું હતું. રૂ.70,356ની 264 બોરી જપ્ત કરી ફેકટરી માલીક
વિનોદ જયંતી લીંબાણી (રહે. મુળ દેવપર યક્ષ હાલે માધવવિલા, અંજાર) તથા ટ્રક માલીક ભરત છગનલાલ ચૌહાણ (રહે.
ભચાઉ)ને પકડી લેવાયા હતા. તેમની પૂછપરછ કરાતા આ માલ કકરવા મંડળીના ગોદામમાંથી કકરવાના
રામજી ખીમજી આહિર પાસેથી મંગાવી અને મહાદેવા ખીમા આહિર (રહે. કકરવા) વાળો માલ અહીં
ખાલી કરાવવા કાર સાથે આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન આ ખાતરના નમુના લઈ પૃથ્થકરણ અર્થે ગાંધીનગર
તથા જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી અભિપ્રાય આવ્યો હતો. જેમાં આ નીમ કોટેડ
ખાતર સબસીડીવાળું ખાતર છે. જે ખેડુતોને ખેતી માટે આપવામાં આવે છે. આ ખાતર ઈન્ડિયન ફાર્મર્સ
ફર્ટિલાઈઝર કો ઓપરેટીવ લીમીટેડ કલોલ ગાંધીનગર ખાતે ઉત્પાદીત કરાયું હોવાનું પણ બહાર
આવ્યું હતું. તેવામાં આ ચારેય શખ્સ વિરૂદ્ધ ગઈકાલે બપોરે ગુનો નોંધાયો હતો. ચારેયની
ધરપકડ બાદ જામીન પર મુકત કરાયા હતા. ગાંધીધામ, અંજાર,
ભચાઉ, મીઠી રોહર, પડાણા આસપાસ
આવેલી અમુક ફેકટરીઓમાં આવા પ્રકારના ખાતર પહોંચાડાય છે. જેનો ઉપયોગ જુદા-જુદા ઉત્પાદનો
માટે કરાય છે. હજુ પણ અમુક ફેકટરીઓમાં આવું ખાતર આવતું હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું
હતું.