ગાંધીધામ / ભુજ, તા. 5 : ગાંધીધામ તાલુકાના મીઠીરોહર જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં સીડી
પરથી નીચે પટકાતાં લલિતકુમાર લોકનાથ ટુન્ડુ (ઉ.વ. 37) નામના યુવાને જીવ ખોયો હતો. બીજીબાજુ
રાપરના જાટાવાડા નજીક ટ્રેક્ટરે હડફેટે લેતાં પગપાળા જતા રણછોડ ગોવા રબારી નામના આધેડનું
મોત થયું હતું જ્યારે મુંદરા તાલુકાના પત્રી
ગામે 41 વર્ષીય યુવાન કરશન થાવરભાઇ મહેશ્વરીએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. મીઠીરોહર
જી.આઇ.ડી.સી.માં આવેલી લાલગાડિયા વૂડ નામની કંપનીમાં ગત તા. 1/12ના આ બનાવ બન્યો હતો.
કંપનીમાં ઉપર આવેલી સીડી પર લલિતકુમાર નામનો શ્રમિક કામ કરી રહ્યો હતો દરમ્યાન તે કોઇ
કારણોસર ઉપરથી નીચે પટકાતાં તેને માથાંમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ યુવાનને
ઘવાયેલી હાલતમાં પ્રથમ આદિપુર અને બાદમાં ભુજ ખાતે જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો
હતો જ્યાં આ શ્રમિકે સારવાર દરમ્યાન છેલ્લાશ્વાસ લીધા હતા. શ્રમિકનાં મોતથી ફરીથી ઔદ્યોગિક
એકમોમાં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો. બીજીબાજુ જાટાવાડાથી જિલ્લારવાંઢ
તરફ?જતા રોડ ઉપર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી રામા ગોવા રબારી અને તેમના નાનાભાઇ
રણછોડભાઇ ગત તા. 2/12ના ઘેટાં-બકરાં ચરાવીને પરત આવી રહ્યા હતા ત્યારે પાછળ રહેલા આધેડ?રણછોડભાઇને
પાછળથી આવતાં નંબર વગરના ટ્રેક્ટરે હડફેટમાં લીધો હતો અને બાદમાં વાહનચાલક આરોપી ભલા
બાલા કોળી વાહન લઇને નાસી ગયો હતો. ઘવાયેલા આધેડને વધુ સારવાર માટે રાપર લઇ જવાતાં
ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વાહનચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને
આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ મુંદરા તાલુકાના
પત્રી ગામે મહેશ્વરીવાસમાં રહેતા 41 વર્ષીય યુવાન કરશનભાઇ મહેશ્વરી છેલ્લા ત્રણેક વર્ષથી કંઇ કામ-ધંધો ન કરતો હોઇ દોઢેક
વર્ષથી માનસિક તાણમાં રહેતો હતો. ગઇકાલ રાતથી આજ સવાર વચ્ચે કોઇપણ સમયે કરશને કોઇ અગમ્ય કારણો વચ્ચે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો તેની પત્ની ગંગાબેને પ્રાગપર પોલીસ મથકે
જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.