• શુક્રવાર, 06 માર્ચ, 2026

ધુળેટીના સપરમા દિવસે આદિપુર પાસે નર્મદા કેનાલમાં બે જણનાં ડૂબવાથી મોત

ગાંધીધામ, તા. 5 : રંગોનાં પર્વ ધુળેટીનાં પર્વમાં  જુદા-જુદા બે સ્થળે  નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી  બે જણનાં મૃત્યુ થયાં હતાં. આ બનાવને લઈને પરિવારમાં ગમગીની પ્રસરી હતી. અંજાર-આદિપુર માર્ગ ઉપર  આવેલી કેનાલમાં ડૂબી જવાથી વડેચા ગોપી નારાણભાઈ (ઉ.વ.30)નું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત શિણાય પાસે નર્મદાની કેનાલમાં પડી ગયેલ ભવ્યરાજસિંહ ઈન્દ્રજિતસિંહ જાડેજા (ઉ.વ.9)નું પણ મૃત્યુ થયું હતું. અંજાર-આદિપુર માર્ગ શનિદેવ મંદિરથી થોડે આગળ ગઈકાલે 3 વાગ્યાના અરસામાં ત્રણ જણ નર્મદા કેનાલમાં નાહવા પડયા હતા. દરમ્યાન  કોઈ પ્રકારે  મૃતક વડેચા ગોપી (રહે. શનિદેવ મંદિર  પાસે) પાણીમાં ગરકાવ થયો હતો. આ યુવાનને બહાર  કાઢવાના પ્રયાસ વચ્ચે યુવાન પાણીના પ્રવાહમાં તણાયો હતો, જ્યારે નાહવા પડેલા બે જણનો આબાદ બચાવ થયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ યુવાનને બહાર કાઢવા ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ સહિતની ટીમ  બચાવ કામગીરીમાં જોડાઈ હતી. પાણીમાં ગુમ થયેલા યુવાનને શોધવા માટે   આધુનિક સાધનો  સાથે કેમેરાની મદદથી શોધખોળ આરંભાઈ  હતી. અંદાજિત 20 કલાકની મહેનતના અંતે તંત્રની ટીમે કેનાલમાં સાયફનમાં ફસાયેલા  આ યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. ડો. હર્ષસુલ મલુકાણીએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ શિણાયમાં રમાડા હોટેલના પાછળના ભાગે બન્યો હતો. મૂળ ભદ્રેશ્વર હાલે શિણાય અંબાજી સોસાયટીમાં રહેતું ભવ્યરાજસિંહ નામનું બાળક કોઈ પ્રકારે ગઈકાલે બપોરના અરસામાં ડૂબ્યું હતું.  આ બાળકને  પાણીમાંથી બહાર કાઢવા માટે વહીવટી તંત્રની જુદી-જુદી ટીમોએ બચાવ કામગીરીનો વ્યાયામ હાથ ધર્યો હતો. અંદાજિત 20 કલાકની મહામહેનતના અંતે આ ટીમે કેનાલના  સાયફનમાં ફસાયેલી હાલતમાંથી  આ બાળકને મૃત હાલતમાં બહાર કાઢયું હતું. બાળકનાં મૃત્યુના સમાચાર  મળતાની સાથે પરિવાર ઉપર આભ ફાટી નીકળ્યુ હતું. આદિપુર પોલીસે વધુમાં ઉમેર્યું હતુ કેત્રણ બાળકો કેનાલમાં નાહવા ગયાં હતાં. બે બાળક એકાએક ડૂબવા લાગ્યાં હતાં. બનાવ સ્થળે હાજર પ્રાંતીય યુવાને એક બાળકને બચાવી લીધું હતું. બચાવવા પડેલા યુવાનને પણ સ્થાનિકોએ દોરીની મદદથી બહાર કાઢયો હતો. એક બાળક પાણીમાં ગરકાવ થયું હતું, જેનો આજે બપોરે 12.30 વાગ્યાના અરસામાં મૃતદેહ મળી આવ્યો હતો. કેનાલમાં પાણીના પ્રવાહને ઓછો કરવા ઉચ્ચકક્ષાએ સૂચના અપાયા બાદ  સાતથી આઠ કલાક બાદ પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ મૃતકની શોધખોળ હાથ ધરાઈ હતી. પોલીસે બંને બનાવમાં અકસ્માત નોંધના આધારે વધુ છાનબીન હાથ ધરી હતી. નર્મદા કેનાલમાં ગુમ થયેલા બંને જણને શોધવા માટે દરિયાની અંદર જઈ જહાજોનું સમારકામ કરતી  ખાનગી એજન્સીની વિશેષ ટુકડી તથા સ્થાનિક તરવૈયાની   પણ મદદ લેવાઈ હતી. ધુળેટીના તહેવારના બનેલા આ બનાવને લઈને પરિવારમાં ગમીગીની પ્રસરી હતી.      

Panchang

dd