• શુક્રવાર, 06 માર્ચ, 2026

કુકમામાં તસ્કરોના આંટાફેરા વધતાં ચિંતા

ભુજ, તા. 5 : ભુજ તાલુકાના ઝડપભેર વિકસી રહેલા કુકમામાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રિ સમયે ચોક્કસ વિસ્તારમાં હોમગાર્ડ પેટ્રોલિંગ વચ્ચે પણ તસ્કરોના નિયમિત આગમન અને ચોરીના પ્રયાસોથી લોકોમાં ચિંતા જાગી છે. ભુજ-અંજાર હાઈવેને અડીને આવેલ માર્ગ અને મકાન હસ્તકનો `દરબારી વાડા' તરીકે ઓળખાતો વિશાળ અવાવરુ વાડો વચલી શેરી અને મોટી શેરી સ્થિત વાડાને અડીને આવેલા કેટલાક મકાનોમાં ઉપર પાછળના ભાગેથી પ્રવેશવા તસ્કરો માટે `વાડો' નિમિત્ત બની રહ્યો છે. છેલ્લા પંદરેક દિવસથી આવા ત્રણ બનાવમાં તસ્કરો આ રીતે વચલી શેરીના ઘર ઉપર ધાબામાં પ્રવેશ્યા હતા, પરંતુ લોકો જાગી જતાં તસ્કરો નાશી છૂટયા હતા.  બે દિવસ પહેલાં જ ધોળા દિવસે સાંજે તસ્કરો એ જ વિસ્તારમાં ત્રાટક્યા હતા અને ઘરમાલિક આવી જતા ધાબા ઠેકી નાસી છૂટયા હતા. આનાથી પહેલાં પણ પાંચેક દિવસ પહેલાં પણ તસ્કરો આવી ચડતા ઘરમાલિક અને શેરીના લોકો જાગી જતાં ફરજ પરના હોમગાર્ડને ફોનથી જાણ કરતાં તેઓ આવી ગયા હતા. જો કે, તસ્કરો છૂ થઈ ગયા હતા, પરંતુ બીજા દિવસે અમુક સીસીટીવી ચેક કરતાં એ સમયે શંકાસ્પદ શખ્સો નજરે પણ ચડ્યા હતા. આ અવવારુ `દરબારી વાડા'માં ભારે ઝાડી હોવાથી અસામાજિક તત્ત્વો અને તસ્કરો માટે છુપાવાનું અને જરૂર સમયે હાઇવે પરથી તેમના વાહનોથી નાશી જવા સલામત સ્થળ બની ગયું છે, લાકોએ સ્વખર્ચે આજે ઝાડી તો સાફ કરાવી છે, પરંતુ આ ચોક્કસ પોઈન્ટ પર કાયમી હોમગાર્ડ બંદોબસ્ત નહીં ગોઠવાય તો સલામતી નિશ્ચિત બને તેમ નથી. આ અવાવરુ વાડો માર્ગ અને મકાન વિભાગના વરસોથી કોઈ ઉપયોગમાં નથી ત્યારે તે પંચાયતને પરત સોંપે અથવા તો જાતે આ વાડાના દરવાજા અને દીવાલો ઊંચી કરી તસ્કરોનો પ્રવેશ અટકાવે તે જરૂરી બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ગામ અને આજુબાજુ ઊભી થયેલી વસાહતોમાં રહેતા પરપ્રાંતીય લોકોના વસવાટ અને સતત અવરજવર પછી આવા બનાવો વધ્યા હોવાનું કહેવાય છે. જો કે, હામગાર્ડ પેટ્રાલિંગ મહદઅંશે થોડી રાહતરૂપ છે, પરંતુ પર્યાપ્ત નથી. પોલીસ સીસીટીવી ચકાસી તસ્કરોના સગડ મેળવે અને ખાસ આવા સંવેદનશીલ પોઈન્ટ પર કાયમી બંદોબસ્ત ગોઠવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. 

Panchang

dd