વિથોણ (તા. નખત્રાણા), તા. 5 : નખત્રાણા
પંથકમાં મોબાઇલ ગેમને રવાડે ચડી અનેક યુવાનોએ
પરિવારને કરજામાં ધકેલી રહ્યા હોવાની રાડ ઊઠી છે. પંથકના યુવાનો માટે મોબાઇલ પરિવાર
મુશ્કેલીનું હાથવગું હથિયાર બની ગયું છે. તાલુકાથી માંડીને ગામડાંઓમાં પણ પરિવાર કરજદાર
બન્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. કેટલાકના છપાઇ ગયા છે અને ઘણા યુવાનોના છૂપાઇ પણ
ગયા છે. આવા કિસ્સાઓમાં યુવાનોના વાંકે વડીલો દંડાય છે. પિતાએ સંતાનો માટે લાખો ખર્ચીને
પેઢીનો માલિક બનાવ્યો અને એવા યુવાનોએ પિતાની મિલકત વેચવાની નોબત ઊભી કરી છે. સુખ અને
સંપત્તિમાં મહાલતા પરિવારોને આજના યુવાનોએ લેણાના બોજ તળે ધકેલી દીધા છે. મોબાઇલ જુગારમાં
ઘણા યુવાનોએ પોતાની દુકાન, વાડી,
ખેતર અને ખોરડા ગીરવી મુક્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે, આ ઓનલાઇન ગેમમાં કેટલાક યુવાનો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે, આવી મોબાઇલ જુગાર રમતમાં કરોડો રૂપિયામાં અનેક ફસાઇ ગયા છે. કેટલાક યુવાનોએ
પાંચ ટકાથી વધુનાં વ્યાજે બીજા પાસેથી રૂપિયા લીધા હોવાનું કબૂલ્યું છે. અમુક યુવાનોએ
બદનામીની બીકે ઇચ્છા મૃત્યુ સુધીનાં પગલાં ભર્યાં છે તેવી વિગતો સાંપડી છે. કેટલાક
પરિવારો કરજ ચૂકવી ન શકતાં પોતાની કર્મભૂમી છોડવા મજબૂર બન્યા છે. આવાં દૂષણો ડામવા
સંગઠનો દ્વારા મિટિંગો કરીને યુવાનોને આવી આદતો છોડવા દબાણ પણ કર્યું હોવાનું જાણવા
મળ્યું છે. ટૂંકા સમયમાં ધનવાન થવાની ગાડી ગેલછાનો કારણે ઘણા યુવાનોએ પોતાની સાથે પરિવારજનોને
પાયમાલ કરી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવી વધતી જતી ઘટનાઓથી સમાજોમાં ભયનું વાતાવરણ છે.