• શુક્રવાર, 06 માર્ચ, 2026

સમાજલક્ષી યોજનાઓ થકી છેવાડાના માનવીના વિકાસનું ધ્યેય

ભુજ, તા. 5 : આગામી 17મી માર્ચે વર્તમાન સભ્યોની પૂરી થતી મુદતના કારણે ગુરુવારે બોલાવાયેલી જિલ્લા પંચાયતની અંતિમ ખાસ સામાન્ય સભામાં વર્ષ 2025-26ના સુધારેલા અને વર્ષ 2026-27ના રૂા. 2,40,10,59,000નું બજેટ રજૂ કરી નાણાકીય વર્ષના અંતે રૂા. 10,69,45,72,000ની પુરાંતવાળાં અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.  પ્રારંભે અધ્યક્ષસ્થાનેથી બોલતાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકાસિંહ જાડેજાએ પાંચ વર્ષ દરમ્યાન મળેલા સાંસદ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પત્રકારોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરી પંચાચતી રાજના સ્વપ્નદ્રષ્ટાઓએ કલ્પેલા લોકરાજ્યના પાયામાં, છેક છેવાડાના માનવી અને તેના પરિવારના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યસરકારની વિવિધ લોકહિતની યોજનાઓ જિલ્લાના છેક અંતરિયાળ ગામડાં સુધી પહોંચાડવા તેમજ કુપોષણ, બેટી બચાવો, કન્યા કેળવણી, આરોગ્યલક્ષી યોજનાઓ, સમાજકલ્યાણ વિષયક યોજનાઓ પૂર્ણ કરવાના ધ્યેય સાથે દરેક સભ્યોને કામે લાગી જવા હાકલ કરી હતી. સમગ્ર કચ્છના અંતરિયાળ વિસ્તારના ગામોના વિકાસને આવરી લેતું અંદાજપત્ર રજૂ કરતાં શ્રી જાડેજાએ અધ્યક્ષસ્થાનેથી 15મા નાણાપંચના વર્ષ 2023-24થી 2024-25ના મંજૂર થયેલા જિલ્લાકક્ષાનાં આયોજનનાં કામોમાં સૂચિત ફેરફાર, મુંદરા તાલુકાની પ્રાગપર જૂથ ગ્રામ પંચાયતમાંથી પ્રાગપર -2નું વિભાજન કરી નવી ગ્રામ પંચાયત બનાવવા, નાણાપંચના મંજૂર થયેલાં કામોમાં એસ.ઓ.આર. રિવાઈઝ થવાના કારણે વધારાની રકમને બહાલી સહિતના ઠરાવ રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. જિલ્લા પંચાયતની વર્ષ 2026-27ની ઊઘડતી સિલક જેમાં સ્વભંડોળ, સરકારી પ્રવૃત્તિ અને લોન દેવા વિભાગ સહિતની 9,94,72,24,000, વર્ષ 2026-27 દરમ્યાન થનારી અંદાજિત આવક રૂ. 20,35,00,65,000 જેમાંથી વર્ષ દરમ્યાન થનારા ખર્ચ રૂા. 19,60,27,17,000 અને રૂા.  10,69,45,72,000 પુરાંત દર્શાવાઈ છે. આજની બેઠકમાં ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિ તેમજ ચૂંટાયેલા સભ્યો, શાખાધ્યકક્ષો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd