• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

ભુજમાં યુવાનને મકાનનો કબજો આપવા મામલે બે શખ્સે ઢોર માર માર્યો હતો

ગાંધીધામ, તા. પ : ભુજના ઘનશ્યામ નગર વિસ્તારમાંથી ગુમ થયા બાદ રસ્સાથી બાંધેલી બેભાન અવસ્થામાં મળેલા યુવાનના પ્રકરણમાં પોલીસ મથકે જુદી-જુદી કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી. બીજી બાજુ ભચાઉના ચોબારીમાં ખેતરો વચ્ચે શેઢા મુદ્દે બે શખ્સે ધારિયા વડે એક આધેડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ભુજના મુંદરા રોડ પર શનિદેવ મંદિરની સામે ઘનશ્યામનગર  વિસ્તારમાં રહેનાર સામત જેપાર નામનો યુવાન ઘરેથી નીકળી ગયા બાદ પરત ન આવતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી. દરમ્યાન પોલીસને જાણ કરાતાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેની તપાસ કરી હતી. દરમ્યાન આ યુવાન રસ્સાથી બાંધેલી અને બેફામ મારનાં કારણે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ઘવાયેલા આ યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવાયો હતો. આ બનાવ અંગે ઘવાયેલા યુવાનના પત્ની હેમાંગીબેનએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રકરણમાં શકદાર આરોપી તરીકે પરિક્ષીત બિજલાણી (રહે. ભુજ) તથા માધાપરના કૌશલ્યાબેન જનક સોનીનું નામ લખાવાયું હતું. શકદાર આરોપીઓએ યુવાન પાસેથી મકાનના બધા રૂપિયા મેળવી લઈ મકાનનો કબજો સોંપ્યો ન હતો. કબજો ન આપ્યા બાદ આરોપીઓ આ યુવાનને વારંવાર ધાકધમકીઓ આપતા હતા. આ બંનેએ પોતે કે તેમના માણસો દ્વારા યુવાનનું અપહરણ કરી લઈ જઈ બંને હાથ, પગ દોરી વડે બાંધી જાનથી મારી નાખવાના ઈરાદે તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉના ચોબારીમાં ગત તા. 3/12ના બપોરના અરસામાં મારામારીનો વધુ એક બનાવ બન્યો હતો. ફરિયાદી પુના લાલજી વરચંદ (આહીર) અને તેમના પિતા લાલજી લક્ષ્મણ વરચંદ સવારે પોતાના ખેતરે ગયા હતા. જ્યાં બાજુના હમીરા બિજલ ઢીલા તથા ફરિયાદીના ખેતર વચ્ચે આવેલ શેઢામાં ફરિયાદી યુવાન તથા તેના પિતા પોતાની તરફના બાવળ કાપી રહ્યા હતા તેવામાં આરોપી હમીરા બીજલ ઢીલા અને વિજય હમીરા ઢીલા ધારિયા લઈને ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ શેઢો બંનેનાં ખેતર વચ્ચે આવેલ છે. બાવળો કાપવાની અગાઉ ના પાડેલ છે છતાં કેમ કાપો છો તેમ કહી ઉશ્કેરાઈ જઈને યુવાન ઉપર ધારિયાથી હુમલો કરતાં તેણે હાથ આડો કરતાં હાથમાં ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમના પિતાના માથાંમાં ધારિયા વડે જીવલેણ હુમલો કરાયો હતો. ઘવાયેલા આધેડને સારવાર અર્થે ગાંધીધામ લઈ અવાયા હતા. જ્યાં તેમની ખોપરી તૂટી ગઈ હોવાનું તથા તે બેભાન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd