• બુધવાર, 13 નવેમ્બર, 2024

ખારીના કેસમાં અનેક કડી ખૂલી : મૃતક હજુય અજ્ઞાત

ભુજ, તા. 11 : શરૂઆતથી જ રહસ્યના ઘેરા તાણાંવાણા સર્જનારા આહીરપટ્ટીના `અજબ પ્રેમ કી ગજબ કહાની' જેવો કિસ્સો ધારણા મુજબ હત્યાનો નીકળ્યો છે. પ્રેમી સાથે સહજીવન માટે અજ્ઞાત વ્યક્તિને ઉઠાવી જઈને તેની હત્યા કરવા સાથે મૃતદેહને સળગાવી સમગ્ર પ્રકરણને આડેપાટે ચડાવવાનો કારસો અપેક્ષા મુજબ બહાર આવ્યો છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી રામી અને અનિલ ગાગલ પાસેથી એકત્ર કરાયેલી કડીબદ્ધ વિગતોના આધારે આ કિસ્સામાં અત્યાર સુધી સ્પષ્ટ ન થયેલી મોટાભાગની કડીઓ સામે આવી છે. પોલીસે મૃતક હતભાગીની ઓળખ મેળવવા સ્કેચ બનાવવા સહિતની તજવીજ હાથ ધરી છે. સત્તાવાર સાધનો પાસેથી મળેલી વિગતો મુજબ, ગઈકાલે ધરપકડ કરાયેલા રામી અને અનિલની કડક પૂછપરછ કરતાં સમગ્ર કારસો કઈ રીતે રચ્યો તેની  કબૂલાત કરી હતી. પ્રેમ સંબંધમાં રહેલા રામી અને અનિલે સાથે જીવી ન શકાય તો મરી જવાનું નક્કી કર્યા બાદ રામીએ આપઘાતની ના પાડી હતી અને અન્ય માર્ગ શોધવા કહ્યું હતું. આ પછી એનજીઓમાં નોકરી કરતા અનિલે ગત તા. 13 અને 14-6ના ઈકો ગાડી સેલ્ફ ડ્રાઈવ પર રૂા. 3000માં ભાડે લીધી હતી તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. ગાડી લઈને તે અંજાર અને ભુજમાં કોઈ બિનવારસુ લાશ શોધવા જાય છે, પણ સફળતા મળતી નથી. થોડા દિવસો બાદ ફરી તા. 20થી 24-6 સુધી એ જ ગાડી ભાડે લીધી અને અંજાર, ગાંધીધામ, રતનાલ અને ભુજમાં લાશ શોધતો રહ્યો, પરંતુ ધાર્યું કામ ન થતાં અંતે છેલ્લી વખત પ્રયત્ન કરવાના ઈરાદે તે તા. 3-7ના ફરી ગાડી ભાડે લઈ ભુજમાં ફર્યો. અંતે થાકી ગયેલો આરોપી હમીરસર પાસે બેઠો હતો ત્યારે જ અંદાજિત 70-80 વર્ષના વૃદ્ધ તેની પાસે આવીને બેસે છે, જેમને જોઈ અનિલે વડીલની વિગતો  પૂછતાં તેમના પરિવારમાં કોઈ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. બસ, ત્યાંથી અનિલે હત્યાની યોજના બનાવી અને તેમને પોતાના ખેતરની સુરક્ષા કરવાની નોકરી આપવા કહેતાં વૃદ્ધે ના પાડી હતી. થોડા સમય બાદ તે વડીલ ત્યાંથી ચાલવા માંડતાં અનિલે તેમનો પીછો કર્યો હતો. આ હતભાગી પૂજા ડાયનિંગ હોલ નજીક આવેલી જગ્યા પર સૂઈ ગયા હતા અને આરોપી ત્યાંથી ફરી લાશ શોધવા નીકળી પડયો હતો. કોઈ મૃતદેહ ન મળતાં તે પરત આ વડીલ પાસે આવ્યો હતો અને સૂતેલી અવસ્થામાં જ તેમને ગાડીમાં લઈ ગયો હતો તેવું સત્તાવાર સાધનોએ વિગતો આપતાં ઉમેર્યું હતું. આરોપી ભોજરડો અને છછી વચ્ચે પહોંચ્યો ત્યારે વડીલનું ગળું દબાવીને તેમની હત્યા નીપજાવી હતી. ગભરાયેલા આરોપીએ થોડીવાર બાદ તેમના શ્વાસ ચાલે છે કે કેમ તેની ખરાઈ કર્યા બાદ લાશને અંધૌ નજીક લઈ જઈ કોઈ જોઈ ન જાય તેની બીકે ત્યાં જ રોકાઈ ગયો હતો. બાદમાં સવારે ખાવડા ગયો, જ્યાં તેણે કેરબામાં ડીઝલ ભરાવ્યું, પેટ્રોલપંપની બાજુમાં રહેલા પ્લાસ્ટિકના કોથળા, કચરા સહિત ભેગા કરીને ગાડીમાં નાખ્યા હતા. ત્યાંથી નીકળ્યા બાદ તે ખારીમાં આવેલા પોતાના વાડામાં ગયો હતો, જ્યાં તેણે રામીને ફોન કરીને બોલાવી હતી. રામી આવતાં ગાડીમાંથી લાશ બહાર કાઢી હતી અને ત્યાં તેના પર પથ્થર અને કચરો નાખી દીધા હતા. બંને જણા ત્યાંથી છૂટા પડયા હતા. બાદમાં ગાડીને સર્વિસ કરાવી મૂળ માલિકને પરત આપી આવ્યો હતો અને ઘરે જઈને સૂઈ ગયો હતો. સાંજના અરસામાં ફરી તે વાડા પર ગયો હતો અને રામીને બોલાવી હતી. અગાઉની યોજના મુજબ લાશ સળગાવવાની હોવાથી વાડા પર લાકડા ઓછા હતા, તેથી રામીએ તેના કાકાસસરાના વાડા પણ લાકડા હોવાનું કહેતાં બંને જણાએ લાશને પાળી ઠેકાવી હતી અને સાથે પ્લાસ્ટિકનો કચરો પણ ત્યાં જ લઈ ગયા હતા. બંનેએ લાશ પર ડીઝલ છાંટી, પ્લાસ્ટિકનો કચરો નાખી લાશને સળગાવી દીધી હતી અને શાળા નજીક અગાઉથી રાખેલી બાઈક પર બંને જણા નાસી છૂટયા હતા. નાસ્યા બાદ પહેલાં એકાદ માસ દ્વારકાના કોઈ ગામડાંમાં અને ત્યાંથી અંદાજિત બે મહિના સુધી ભુજમાં રહેલી રામીને પોતે આચરેલા કૃત્ય પર અફસોસ થતો હોવાથી તેણે અનિલને કહ્યું કે, બાપુજીને જઈને હકીકત જણાવી દઈએ. તેમ કરતાં પિતા સાકરાભાઈએ આ બાબતે સવાલો કરવા સાથે પોલીસને જાણ કરવાનું કહેતાં બંને ડરીને ફરી નાસી ગયા હતા, જેથી સાકરાભાઈએ ખુદ પોલીસને જાણ કરી હતી. સવાલો ઊભા કરનારા આ ચકચારી પ્રકરણના નાસ-ભાગ કરતા બંને પ્રેમીપંખીડાને પોલીસે રાપર વિસ્તારથી ઝડપી પાડયા હતા, જેમાં આ કારસો બહાર આવ્યો હતો. આ પ્રકરણમાં મોટાભાગની કડીઓ જોડાઈ ગઈ હોવા સાથે  આ કિસ્સામાં જે વૃદ્ધની હત્યા થઈ તેમની ઓળખ મેળવવા સ્કેચ બનાવવા સહિતની પોલીસે તપાસ આદરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang