• શનિવાર, 27 જુલાઈ, 2024

વડાપ્રધાનની સોનેરી સલાહ

સંસદનાં શિયાળુ સત્રના આરંભ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી, તે કોંગ્રેસ અને દરેક વિપક્ષે ગાંઠે બાંધવા જેવી છે. `ચાર રાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યાં છે. ઉત્સાહવર્ધક સ્થિતિ છે' તેવો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું કે, દેશે નકારાત્મકતાને નકારી છે. વર્તમાન જે ચૂંટણી પરિણામ આવ્યાં છે તે વિપક્ષો માટે સોનેરી અવસર છે. પરાજયનો અહીં ગુસ્સો કાઢવાને બદલે આ પરાજયમાંથી તેઓ કંઈક શીખે. ચૂંટણી પ્રચારમાં ઝંઝાવાતી ભાષણો હજી સુધી લોકોનાં કાનમાં ગૂંજે છે, ત્યાં જ 17મી લોકસભાનાં 14મા સત્ર પૂર્વે વડાપ્રધાને ગૃહની ગરિમા વધારતું પ્રવચન આપ્યું. વિપક્ષોને તેમણે અનુરોધ કર્યો કે, નવ વર્ષથી નકારાત્મકતાની જે પ્રવૃત્તિ ચલાવાઈ રહી છે, તે છોડીને સકારાત્મક રીતે તેઓ આગળ વધશે તો દેશનો દૃષ્ટિકોણ તેમના પ્રત્યે પણ બદલાશે. દેશ અલગ રીતે વિપક્ષની સામે જોશે. મહિલા, યુવાનો, ખેડૂતો, યુવાનો અને ગરીબોનાં સશક્તિકરણનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, લોકકલ્યાણ માટે કામ થાય ત્યારે સત્તાવિરોધી પરિબળ રહેતાં નથી. દેશએ નકારાત્મકતાને નકારી છે તે મુદ્દો સૌથી અગત્યનો છે. ચૂંટણી પ્રચાર અને તે સિવાય નેતાઓ વચ્ચે થતાં વાક્યુદ્ધથી દેશ વાકેફ છે. હેટસ્પીચ જેને કહેવાય છે તેવાં તીખાં-તિરસ્કારભર્યાં પ્રવચનો કે પ્રચારનું પ્રમાણ એટલું છે કે, સુપ્રીમ કોર્ટે પણ તેમાં વચ્ચે પડવું પડે છે. ચૂંટણી હોય કે ન હોય, નકારાત્મકતા કોઈ ને કોઈ મુદ્દે સતત ફેલાતી રહે છે. હવે લોકોની માનસિકતા, મનોવલણ ધીમે ધીમે બદલાઈ રહ્યાં છે. જે નથી તેની વાત કરવાને બદલે થઈ રહ્યું છે તેની ચર્ચા કરવાનો અભિગમ વધ્યો છે. લોકશાહીમાં વિપક્ષે વિરોધ કરવો જ જોઈએ અને સરકારની ખામી લોકો સમક્ષ મૂકવી જ જોઈએ તે વાત સાચી, પરંતુ વજૂદ વગરની વાતો હવે ચાલે તેમ નથી એ દરેક રાજકીય પક્ષોએ સમજી લેવાની જરૂર છે. માધ્યમોનો વ્યાપ વધ્યો, સ્વરૂપ બદલાયાં છે. આ `કલેક્ટિવ વિઝડમ'નો સમય છે. બધા પાસે માહિતી છે. દેશમાં જે કંઈ પણ રીતે જે થઈ રહ્યું છે તે બધા જોઈ રહ્યા છે. કોઈ એક નેતા કે એક પક્ષ દોરવે તેમ હવે પ્રજા દોરવાય તે દિવસ ગયા. કોઈ પણ પક્ષે નકારાત્મક વાત કરવાને બદલે, અન્યોની ક્ષતિ વિશે બોલવા કરતાં પોતાની વાત રાખવી જોઈએ. અમે હોઈએ તો આમ કરીએ, અમે હઈશું તો આમ કરીશું એવું કહેવાય. અન્યોની ટીકાનો અર્થ નથી. મોદી સરકારનો વિરોધ હોય તો નક્કર અને સજ્જડ મુદ્દા લોકો સમક્ષ મુકાવા જોઈએ. પનોતી જેવાં અયોગ્ય વિશેષણો આપીને લોકોમાં રમૂજ ફેલાવી શકાય, ચૂંટણી ન જીતી શકાય. એક નોંધવા જેવી બાબત એ છે કે, ચૂંટણી વખતે જનસુવિધાની ચર્ચા કદી સાંભળવા નથી મળતી. નદી પર પુલ, રસ્તા, પાણી યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય એ બધા જટિલ મુદ્દા છે. સંસદનું સત્ર શરૂ થયું છે એમાં પણ જનલક્ષી મુદ્દાઓની રજૂઆત થાય એવી આશા રાખીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang