ભુજ, તા. 11 : તાલુકાના કુરન નજીક આવેલા આર.ઈ.
પાર્કમાં આવેલા પ્લાન્ટમાં લગાવાયેલી સોલાર પ્લેટોમાં લાગેલા સ્ટ્રીંગ કેબલ કિ. રૂા.
7,00,000ની કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો
હોવાની ફરિયાદ ખાવડા પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, કુરન પાસે આવેલા આર.ઈ. પાર્કમાં એમ.એસ. ચૌહાણ
ઈન્ફ્રા વેન્ચર્સ પ્રા. લિ.ના પ્લાન્ટમાં અલગ-અલગ બ્લોકોમાં સોલાર પ્લેટોમાં લગાવયેલા
સ્ટ્રીંગ કેબલ 4 એસક્યુએમએમ
(કોપર વાયર) અંદાજિત 205 કિ.મી. જેની
કિં. રૂા. 7,00,000ની કોઈ ચોર ઈસમ ચોરી કરી નાસી
ગયો હતો. આ મામલે ખાવડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. - દુષ્કર્મ મામલે કુકમાવાસી આરોપી
સામે ફોજદારી : ભુજ, તા. 11 : તાલુકાના એક ગામમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ
કરનારા આરોપી સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, આરોપી કુકમાના હરેશ આલાભાઈ ફફલે ફરિયાદી પીડિતાને
લગ્નની લાલચ આપી તેનું અવાર-નવાર શારીરિક શોષણ કરવા સાથે પીડિતા આ બાબતે કોઈને કહેશે
તો જાનથી મારી નાખવા સહિતની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ
ધરી છે. - ચેક પરતના
કેસમાં માધાપરના આરોપીને કેદની સજાનો હુકમ : ભુજ, તા. 11 : ચેક પરતના કેસમાં આરોપી માધાપરના ઈશ્વરગર ચતુરગર ગુસાઈને ફોરમે
તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. ભુજની
કે.ડી. કોમ્યુનિકેશનની પેઢીમાંથી જય ગિરનારી ઈલેક્ટ્રોનિકના માલિક આરોપી ઈશ્વરગરે વેપાર-ધંધા
માટે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કિં. રૂા. 10,36,798 લીધી હતી, જે પેટે
અપાયેલો ચેક પરત ફર્યો હતો. આ મામલે ગ્રાહક સુરક્ષા ફોરમે આરોપીને તકસીરવાન ઠેરવી એક
વર્ષની સાદી કેદની સજા તથા કુલ રૂા. 15,00,000નું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષ વતી વકીલ
જીતેન્દ્ર મૂલચંદ ઝવેરીએ દલીલ કરી હતી. - ખેડોઇ નજીક ગાંજા સાથે એક શખ્સની ધરપકડ : ગાંધીધામ, તા. 11 : અંજાર તાલુકાના ખેડોઇ નજીક એક ઢાબા પાસેથી શખ્સને પકડી પાડી
પોલીસે તેની પાસેથી રૂા. 8950નો ગાંજો
જપ્ત કર્યો હતો. ગાંજો આપનારા અંજારના શખ્સનું નામ બહાર આવ્યું હતું. ખેડોઇ નજીક મુંદરાથી
અંજાર આવતા ધોરીમાર્ગ નજીક જૂના બંગાળી ઢાબા પાસે ઊભેલા મૂળ કોપરાણી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર
તથા હાલમાં મોટી ખેડોઇમાં રહેતા સુરુભા દોલુભા ઝાલા નામના શખ્સને પોલીસે પકડી પાડયો
હતો, તેની પાસે રહેલા થેલામાંથી રૂા. 8950નો 179 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે પ્રાથમિક પૃથ્થકરણમાં તે
ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું, તેને અંજારના સલીમ ઉમેર મેર નામના શખ્સ પાસેથી ખરીદી કરી અહીં છૂટકમાં વેચતો
હતો. હાથમાં ન આવેલા અંજારના શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.