નવી દિલ્હી, તા. 11 : કેન્દ્ર સરકારે
રાષ્ટ્રગીત વંદે માતરમ્ પર નવા દિશા-નિર્દેશ જારી કર્યા છે. હવેથી સરકારના કાર્યક્રમો, શાળાઓના કે અન્ય ઔપચારિક ઉપક્રમોમાં વંદે માતરમ્
ગવાય ત્યારે દરેક વ્યક્તિનું ઊભા રહેવું ફરજિયાત હશે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા
આદેશમાં જણાવાયું છે કે, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બન્ને એક
જ કાર્યક્રમમાં સાથે ગાવાનાં હોય, ત્યારે પહેલાં વંદે માતરમ્ના
છ છંદ અને પછી જન ગણ મન ગાવાનું રહેશે. આદેશ અનુસાર તમામ શાળામાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીત
સાથે થઇ શકે છે. નવા નિયમ મુજબ રાષ્ટ્રપતિનું આગમન, ધ્વજારોહણ,
પુરસ્કાર સમારોહ, રાજ્યપાલનાં સંબોધન જેવા સમારોહમાં
રાષ્ટ્રગીતના તમામ છ અંતરા ગાવા પડશે,
જેનો સમયગાળો 3 મિનિટ અને 10 સેકંડ છે.અત્યાર સુધી મૂળ રાષ્ટ્રગીતના માત્ર બે અંતરા જ ગવાતા
હતા. આવું પહેલીવાર બન્યું છે, જ્યારે
રાષ્ટ્રગીત માટે વિગતવાર પ્રોટોકોલ જારી કરાયા છે. ચાર છંદ 1937માં કોંગ્રેસે હટાવી લીધા હતા.
નવી માર્ગદર્શિકા મુજબ તિરંગો ફરકાવતી વખતે કોઇ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલનાં આગમન, ભાષણ
પહેલાં કે પછી તેમજ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ ફરજિયાત હશે. કુલ 10 પાનાંના આ નિર્દેશમાં જણાવાયું
છે કે, પદ્મ સન્માનો જેવા નાગરિક પુરસ્કાર કાર્યક્રમોમાં
રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ હોય, ત્યાં પણ વંદે માતરમ્ ગાવું ફરજિયાત
રહેશે. મંત્રીઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની હાજરીમાં સરકારી ન હોય, તેવા કાર્યક્રમો યોજાય, ત્યારે પૂરતાં સન્માન સાથે રાષ્ટ્રગીત
ગાઇ શકાશે. જો કે, સિનેમાગૃહોને આ નિયમોથી બહાર રખાયાં છે. શાળાઓમાં
પ્રોત્સાહનરૂપે નિયમ લાગુ કરાશે, કડકપણે નહીં.