ભુજ, તા. 11 : અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળજી
ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ
સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જૂના ભાજપ કાર્યાલય પાસે આવેલી તેમની પ્રતિમા પર હારારોપણ
કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પંડિતજીની પુણ્યતિથિના આ દિવસને ભારતીય જનતા
પાર્ટી દ્વારા સાર્વત્રિક રીતે જ્યારે સમર્પણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે, ત્યારે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા
બાદ જિલ્લા ભાજપ કાર્યાલય મધ્યે પંડિતજીનાં જીવનકવન અને સમગ્ર ચરિત્ર પર પ્રકાશ પાડવાના
હેતુથી વિશેષ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન કરતા જિલ્લા
ભાજપ અધ્યક્ષ શ્રી વરચંદે જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા
પાર્ટીના સમગ્ર સંગઠન, પ્રત્યેક સરકારો અને તમામ કાર્યકર્તાઓના
માનસ પટલ પર અખંડપણે જીવંત એવા અંત્યોદયના વિચારબીજનું આરોપણ પંડિતજીએ બખૂબી કર્યું
હતું. છેક છેવાડાના માનવીનો વિચાર કરીને તેઓને તમામ પ્રકારની સુખાકારી અને વિકાસની
મુખ્ય ધારા સાથે જોડવાનો મૂળ વિચાર પંડિત દીનદયાળજી ઉપાધ્યાયે આપણે સૌને આપ્યો છે અને
આ અંત્યોદયનો વિચાર જ આજે સમગ્ર રાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની અપાર સફળતા અને લોકપ્રિયતા
પછવાડે મુખ્યપણે જવાબદાર છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને મુખ્ય વક્તા અમૃતભાઈ દવેએ જણાવ્યું હતું કે, પ્રખર રાષ્ટ્રવાદી, શ્રેષ્ઠ સંગઠક, એકાત્મક માનવતાવાદ તથા અંત્યોદયના પ્રણેતા એવા પંડિતજીએ ભારતીય જનતા પાર્ટીના
કરોડો કાર્યકર્તામાં મૂલ્ય અને સિદ્ધાંતોનું ઘડતર કર્યું છે તેમજ સમાનતા, સમરસતા અને રાષ્ટ્રવાદની અનેરી જ્યોત પ્રજ્જવલિત કરી છે. આજે આ સમાજ માટે તેમજ
ભારતવર્ષ માટે કંઈક કરી છૂટવાની ધગશ અને ખેવના ધરાવતા અનેક યુવાનો માટે તેમનું જીવન
ચરિત્ર સાચે જ એક દૃષ્ટાંતરૂપ કેડી જેવું પૂરવાર થઈ રહ્યું છે.
જિલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી,
જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષો પ્રફુલ્લાસિંહ જાડેજા, અશોકભાઈ હાથી, આશિકાબેન ભટ્ટ, કેડીસીસી
બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ
વરસાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર તેમજ જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો
પૈકી પારૂલબેન કારા, હિતેશભાઈ ગોસ્વામી, રવિભાઈ ગરવા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ સંગારે કરી
હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.